૯૩ લીટર દેશી દારૂ અને દારૂ બનાવવાનો વોસ ઝડપી લઇ મહિલા સહિત દારૂનો વેપલો કરતા ત્રણને ઝડપી લીધા
અમદાવાદ શહેરના ચોક્કસ વિસ્તારોમાં હવે ગુજરાતની નશાબંધીનો અમલ થતો નથી. જેને પગલે ખુલ્લેઆમની હાટડીઓ ધમધમી રહી છે. ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માધુપુરામાં દરોડા પાડીને દેશી દારૂના જથ્થા સાથે તેનો વેપલો કરતા તત્ત્વોને ઝડપી લીધા છે. જોકે આ બાબતથી સ્થાનિક પોલીસ અજાણ હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલે માધુપુરામાં દરોડો પાડી દેશી દારૂના જથ્થા સાથે ત્રણ લોકોને ઝડપી લીધા
સ્ટેટ મોનિટરિંગ સેલના કે.ટી.કામરીયાને બાતમી મળી હતી કે માધુપુરા અનવરનગરની ચાલીમાં દેશી દારૂનો વેપલો થઇ રહ્યો છે. તરત જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડીને ૯૩ લીટર દેશી દારૂ અને દારૂ બનાવવાનું મટિરિયલ ઝડપી લઇ મહિલા સહિત દારૂનો વેપલો કરતા ત્રણ લોકોને ઝડપી લીધા છે. જ્યારે ઇકબાલ બાલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં વિલાયતી દારૂના ટ્રક ઠલવાઇ રહ્યા છે. જ્યારે મેઘાણીનગર, સરદારનગર અને વાડજ દેશી દારૂના હબ બની ગયા છે. આ વિસ્તારમાંથી સમગ્ર શહેરમાં દેશી દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ બાબતે વારંવાર પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ પણ કરાઈ છે. મેઘાણીનગરના તો દારૂની હાટડીઓના વીડિઓ કમિશનર ઓફિસ ઉપરાંત ડીજીપી ઓફિસ ખાતે પણ મોકલાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ મેઘાણીનગરના દારૂના અડ્ડાઓ પર રેડ કરવા અને તપાસ કરવા સૂચન કરવામાં આવ્યા હતા. આટલી ફરિયાદો બાદ પણ સ્થાનિક પોલીસ દ્વારા મેઘાણીનગરમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની દરકાર લેવામાં આવતી નથી.