સોશિયલ મીડિયાની આડઅસરને લઈને મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના શિલજ વિસ્તારમાં રહેતા પરિવારની 21 વર્ષની યુવતી સોશિયલ મીડિયા પર પૂનામાં રહેતાં વિધર્મી યુવકના સંપર્કમાં આવી હતી. તેના યુવક સાથે સંબંધો એ હદે વધી ગયાં હતાં કે, બંને વચ્ચે ન્યૂડ કોલ પણ થતાં હતાં. જેમાં યુવકે સ્ક્રીન રેકોર્ડ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને નાણાં પણ પડાવ્યા હતાં. તેમ છતાંય, યુવતીએ પ્રેમીની વાતોમાં આવી બીજા નાણાંની માગ કરી હતી. જ્યારે પરિવારે ના પાડી દીધી તો, યુવતીએ હાથમાં બ્લેડના ઘા મારી પરિવારને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો. જેનાથી કંટાળીને પરિવારજનોએ છેલ્લે પોલીસ સ્ટેશનનો સહારો લીધો.
અમદાવાદના શિલજ વિસ્તારમાં રહેતી 45 વર્ષની મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મહિલાની 21 વર્ષની દીકરી ગત ડિસેમ્બર 2023 માં ટ્રેકિંગ કેમ્પ દ્વારા ગોવા ગઈ હતી. જ્યાં તે 29 ડિસેમ્બરની રાત્રે ગુમ થઈ ગઈ હતી. બીજા દિવસે તે પરત આવી ત્યારે તેના હાથમાં સિગારેટના ડામ હતાં. આ બાબતે પૂછતા યુવતીએ જણાવ્યું કે, તે સોશિયલ મીડિયા દ્વારા પૂનામાં રહેતાં શાકિલ અહેમદ ઇબ્રાહીમ સતારકરના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને એકબીજા સાથે નિયમિત ફોન પર વાત કરતાં હતાં. અહેમદ તેને મળવા ગોવા આવ્યો અને બાદમાં તેને પોતાની સાથે પૂના લઈ ગયો હતો.
પૂનામાં યુવતીએ તેની કોઈ વાત માનવાનો ઈનકાર કરતાં અહેમદે યુવતીના હાથમાં સિગારેટના ડામ આપ્યા હતાં. છતાં તે અહેમદના સંપર્કમાં રહેતી અને તેના કહ્યાં મુજબ જ બધું કરતી. અહેમદના કહેવા પર યુવતીએ ન્યૂડ કોલ પણ કર્યાં હતાં, જેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને અહેમદ યુવતીના પરિવારજનોને બ્લેકમેઇલ કરતો હતો. અહેમદે યુવતીના પરિવારને ક્યુઆર કોડ મોકલીને કહ્યું કે, નાણાં મોકલો નહીંતર, તમારી દીકરીનો વીડિયો વાઈરલ કરી દઈશ. સૌથી નવાઈની વાત એ હતી કે, ખુદ યુવતી આ ક્યુઆર કોડ નજીકના સગાને મોકલીને પૈસા માંગ્યા હતાં.
યુવતી અહેમદની દરેક વાત માનતી હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતાં અને યુવતીની માનસિક સારવાર પણ શરૂ કરાવી હતી. તેમ છતાંય, યુવતીના સ્વભાવમાં કોઈ ફરક ન હતો આવ્યો. થોડા સમય પહેલાં તેણે અહેમદના કહેવાથી હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, છેવટે કંટાળીને યુવતીના પરિવારજનોએ કંટાળીને વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.