મહિલાનો પતિ અવારનવાર દહેજની માગણી કરતો, બોપલ પોલીસે મૃતકના પતિ સામે ગુનો નોંધ્યો
બોપલમાં રહેતી એક પરિણીતાએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા મહિલાએ તેના પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. મહિલાનો પતિ અવાર નવાર દહેજની માગણી કરતો હતો. મહિલાએ પિયરમાંથી નાણાં લાવી આપ્યા બાદ પણ તે વધુ નાણાં માગતો હતો. પુત્રની ફીના નાણાં પણ પિયરમાંથી લાવવા દબાણ કરતા મહિલાએ કંટાળીને આ પગલું ભર્યું હતું. આ મામલે બોપલ પોલીસે મૃતક મહિલાના પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ રાજસ્થાનની 26 વર્ષીય ઉર્મિલાના વર્ષ 2016માં સાહિલ લબાના (રહે. શીલજ) સાથે લગ્ન થયા હતા. સાહિલ લગ્ન બાદથી ઘરકંકાસ કરીને ઝઘડા કરતો હતો. સાહિલ અવાર નવાર ઉર્મિલાને પિતાના ત્યાંથી દહેજ નથી લાવી તેમ કહીને રૂપિયાની માગણી કરતો હતો. છ માસ પહેલા જ્યારે ઉર્મિલા પિયરમાં ગઇ ત્યારે તેણે આ બાબતે માતા પિતાને વાત કરી હતી. જેથી તેના પિતાએ બે લાખ અને સોના ચાંદીના દાગીના આપ્યા હતા. તેમ છતાં સાહિલ વધુ રૂપિયા માગીને કંકાસ કરીને ત્રાસ આપતો હતો. ગત તા.22મીએ ઉર્મિલા તેના પિયર ગઇ હતી. પુત્રની સ્કૂલ ફી ભરવાની બાકી હોવાનું તેણે પિતાને જણાવ્યું હતું. જો કે પિતા પાસે નાણાં ન હોવાથી ઉર્મિલા પરત આવી હતી. ઉર્મિલાના પતિ સાહિલે પિયરમાંથી જ ફીના નાણાં લાવવાનું કહેતા તે ચિંતામાં આવી ગઇ હતી. જેને લઇને બીજા દિવસે એટલે કે ગત તા.23મીએ ઉર્મિલાએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જેને લઇને બોપલ પોલીસે સાહિલ લબાના સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.