આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડ હેઠળની સ્કૂલોમાં ધો.1 થી 8માં વિવિધ વિષયોમાં કોર્સ બદલાશે. જેથી 19 પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામા આવશે. ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો તમામ માધ્યમોમાં બદલાશે. જ્યારે ધો.12માં અર્થશાસ્ત્ર વિષયમાં પણ એક નવુ પ્રકરણ ઉમેરાતા આ વિષયનું પુસ્તક પણ બદલીને નવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવાશે. લાખોની સંખ્યામાં પુસ્તકો નવા પ્રિન્ટ કરીને સ્કૂલોમાં મોકલાશે.
ગુજરાતી, ગણિત,વિજ્ઞાન સહિતના પુસ્તકો તમામ માધ્યમમાં પુસ્તક બદલાશે
ગુજરાત રાજ્યના પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી વિવિધ ધોરણમાં નવા પુસ્તકો લાગુ કરવામા આવનાર છે અને હાલના પુસ્તકો રદ કરી તેના સ્થાને નવા પુસ્તકો સ્કૂલોમાં લાગુ થશે. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ ધો.8 માં ગણિત(દ્વિભાષી) તમામ માધ્યમમાં, ધો.3 અને 6 માં ગણિત તમામ માધ્યમમાં, ધો.6 માં અંગ્રજી દ્વિતિય ભાષા ગુજરાતી માધ્યમમાં તથા ધો.7માં અનિવાર્ય સંસ્કૃતમ અને 2 તથા ગણિત, વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાન અને સર્વાંગી શિક્ષણ વિષયના પુસ્તકો નવા લાગુ થશે. ધો.8 માં વિજ્ઞાન દ્વિભાષી તમામ માધ્યમમાં અને ગુજરાતી પ્રથમ ભાષા ગુજરાતી માધ્યમમાં બદલાશે.
ધો.3 માં પર્યાવરણ તમામ માધ્યમમાં અને ધો. 6 માં વિજ્ઞાનનું પુસ્તક તમામ માધ્યમમાં બદલાશે. ધો. 7 માં મરાઠી પ્રથમ ભાષાનું પુસ્તક મરાઠી માધ્યમમાં અને ધો.1 માં તથા ધો.2 માં ગુજરાતી વિષયનું પુસ્તક ગુજરાતી માધ્યમમાં બદલાશે. ધો.1 અને 2 માં ગુજરાતી દ્વિતિય ભાષાનું પુસ્તક અન્ય માધ્યમોમાં બદલાશે. આ ઉપરાંત ધો.12 માં અર્થશાસ્ત્રનું પુસ્તક આગામી વર્ષથી સ્કૂલોમાં નવુ ભણાવાશે. હાલના પુસ્તકમાં પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સરક્ષણ નામનું પ્રકરણ નવું ઉમેરાયુ છે. આમ ધો. 1 થી 8 માં 19અને ધો.12 માં એક સહિત કુલ 20 પુસ્તકો રદ કરીને આગામી વર્ષથી નવા ભણાવાશે.