ગાંધીનગર જિલ્લામાં તસ્કરોના તરખાટ યથાવત
માણસા વિસ્તારમાં બેખોફ બનેલા કેબલ ચોરોએ ગત રાત્રિએ રંગપુર ગામની સીમમાં આવેલા ત્રણ ખેડૂતોના કુવા પરથી 34 હજાર રૂપિયાની કિંમતના 114 ફૂટ જેટલા કેબલને કાપી ચોરી કરી ફરાર થઇ ગયા હતા
માણસા તાલુકાના રંગપુર ગામે સધી માતાના મંદિર પાસે રહેતા અને ખેતીવાડીનું કામ કરતા દિનેશસિંહ દીપસિંહ ચાવડા ગઈકાલે સાંજે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાંથી પાછા ફરતી વખતે બોરકુવા પરની ઓરડી ને તાળું મારી ઘરે આવ્યા હતા અને સવારે જ્યારે તેઓ ખેતરમાં ગયા તે વખતે બોરકુવા પરની ઓરડી તરફ જોતા બોરના હોલથી ઓરડી સુધીનો રૂપિયા 9 હજારની કિંમતનો 23 ફૂટ કેબલને અજાણ્યા ઈસમોએ રાત્રિના સમયે આવીને કાપીને ચોરી કરી ભાગી છૂટયા હતા.
ઓરડી થોડેક દૂર આવેલા બીજા ખેડૂત ચંદનસિંહ બળદેવજી ચાવડાના બોરકુવાની ઓરડી પર જઈ આ તસ્કરોએ ત્યાંથી પણ 10 હજાર રૂપિયાની કિંમતનો 35 ફૂટ કેબલ કાપીને ચોરી કરી હતી. ઉપરાંત તેમના બાજુના ખેતરના ખેડૂત નરેન્દ્રસિંહ નાથુસિંહ ચાવડાના બોરકુવાની ઓરડી પર જઇ આ તસ્કરોએ ત્યાંથી પણ 15 હજાર રૂપીયાની કિંમતના 54 ફૂટ કેબલ વાયરને કાપી ચોરી કરી ભાગી છૂટયા હતા. એક જ રાતમાં ત્રણ જગ્યાએ કેબલ વાયરની ચોરી થતા રંગપુર ગામના આ ત્રણે ખેડૂતો માણસા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને 34000 રૂપિયાના 114 ફૂટ કેબલની ચોરીની ફરિયાદ આપી હતી.