ફાયરિંગ, ખૂનની કોશિશ, ખંડણી, આગચંપી જેવા ૫૧ ગુનાઓ નોંધાયા છે
વડોદરા જેલમાંથી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઇ ગયેલો માથાભારે અલ્પુ સિન્ધી. છેલ્લા ચાર મહિનાથી શહેર પોલીસ તેને શોધી રહી હતી. દરમિયાન ગઇકાલે દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ હાઇવેના ફૂડ પ્લાઝા પરથી ક્રાઇમ બ્રાન્ચના પાંજરે પુરાયો છે.
કિશનવાડી વિસ્તારમાં થયેલા હત્યાની કોશિશના વર્ષ ૨૦૧૪ ના ગુનામાં કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવતો માથાભારે અલ્પેશ ઉર્ફે અલ્પુ સિન્ધી હરદાસમલ વાઘવાણી (રહે. સંતકંવર કોલોની, વારસિયા) હાઇકોર્ટના હુકમના આધારે ગત તા. ૧૮ મી મે ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી છૂટયો હતો. અલ્પુ સિન્ધીને ૨૪ મી તારીખે વડોદરા જેલમાં પરત હાજર થવાનું હતું. પરંતુ, તે જેલમાં હાજર થવાના બદલે ફરાર થઇ ગયો હતો. જે અંગે સેન્ટ્રલ જેલ તરફથી વડોદરા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. ડીસીબી પોલીસ અલ્પુ સિન્ધીને શોધી રહી હતી. દરમિયાન ડીસીબી પી.આઇ. આર.જી. જાડેજાને માહિતી મળી હતી કે, અલ્પુ સિન્ધી કરજણ નજીક આવેલા દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર ફૂડ પ્લાઝા ખાતે આવ્યો છે. જેથી, પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને અલ્પુને ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે, અલ્પુ સિન્ધી છેલ્લા ૧૨ વર્ષથી ગુનાખોરીની દુનિયામાં સક્રિય છે. તેની સામે વર્ષ – ૨૦૧૨ માં સિટિ પોલીસ સ્ટેશનમાં પહેલો ગુનો પ્રોહિબિશનનો દાખલ થયો હતો. ત્યારબાદ તેની સામે ફાયરિંગ, ખૂનની કોશિશ, ખંડણી, મારામારી, ધમકી, જેલમાંથી બોગસ ખોટા દસ્તાવેજોના આધારે જામીન પર છૂટવાનો પ્રયાસ, જેલના કાયદાનો ભંગ,આગચંપી સહિતના ૫૧ ગુનાઓ નોંધાયા છે. તે બે વખત પાસામાં જઇ આવ્યો છે. તેમજ એક વખત તડિપાર પણ થયો છે.
આ કામગીરી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇશ્રી આર.જી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે પાર પડ્યું હતું.