આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા આતિશીએ શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ત્યારે હવે મુખ્યમંત્રી બન્યા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે.
આતિશી લીલી સાડી પહેરીને મુખ્યમંત્રી પદના શપથ લેવા રાજભવન પહોંચી હતી. તો શપથ ગ્રહણ બાદ આતિશીએ કેજરીવાલના પગે લાગીને આશીર્વાદ લીધા. આતિશીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, દિલ્હીના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી, મારા મોટાભાઈ અને મારા રાજકીય ગુરુ અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું, જેમણે મને દિલ્હીના લોકોની દેખરેખની જવાબદારી સોંપી. આજે મેં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ જરૂર કર્યા છે, પરંતુ આ મારા અને આપણા સૌ માટે ભાવુક ક્ષણ છે કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી નથી.
આતિશીએ વધુમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલે છેલ્લા દસ વર્ષમાં દિલ્હીની તસવીર બદલી નાખી છે. તેમણે દિલ્હીના સામાન્ય લોકોના જીવન બદલી નાખ્યા. તેમણે ગરીબ લોકોનું દર્દ સમજ્યું.
શનિવારે આતિશીને ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ શનિવારે દિલ્હીના આઠમા મુખ્યમંત્રી તરીકે શપથ અપાવ્યા. સક્સેનાએ અહીં રાજનિવાસમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં આતિશીને પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આ અઠવાડિયાની શરૂઆતમાં આતિશીને પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પસંદ કરાયા હતા.