વડોદરામાં સિનિયર સિટીઝન મહિલાનો અછોડો તેમજ અન્ય રાહદારીઓને લૂંટી લેતા બે બાઈકર્સને પોલીસે ઝડપી પાડ્યા છે. ટૂંકા ગાળામાં બંને ગઠિયાઓએ ચારથી પાંચ જણાને શિકાર કર્યા હોવાની વિગતો ખૂલી છે.
હરણી રોડ વિસ્તારમાંથી પોલીસે બાઈક પર જતા દિલીપ રમણભાઈ વાદી (હિરાબા નગર પાસે, વાઘોડિયા રોડ) તેમજ અક્ષય પૂનમભાઈ દેવીપુજક (વુડાના મકાન પાસે,બાપોદ જકાતનાકા મૂળ રહે જાંબુડીયા પુરા, વાઘોડિયા) ને ઝડપી પાડી તેમની પાસેની થેલી ચેક કરતા અંદરથી સોનાની તૂટેલી ચેન, મોબાઈલ તેમજ ચાંદીની અન્ય ચીજો મળી હતી.
પોલીસે બંને જણાની વધુ પૂછપરછ કરતા ત્રણ દિવસ પહેલા વાઘોડિયા રોડ કલાદર્શન પાસે એક મહિલાનો અછોડો તોડ્યો હોવાની કબુલાત કરી હતી. ત્યારબાદ થેલી લઈને જતી એક મહિલાની પસૅ સાથેની થેલી લુટી હતી.
બંને આરોપીએ સિંધવાઈ માતા રોડ પર નંદીગ્રામ સોસાયટીના એક મકાનમાં પણ સાત એક મહિના પહેલા ચોરી કરી હતી તેમજ વાઘોડિયા રોડ પર એક રાહદારીના મોબાઇલની લૂંટ કરી હોવાની વિગતો ખુલી હતી. જેથી બંને જણાને જુદા-જુદા પોલીસ સ્ટેશનને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે.