તાસ્કંદ સોસાયટીમાં વૃદ્ધાના ઘરે રહી ઘરઘાટી તરીકે આ દંપતી કામ કરતું હતું, 1.40 લાખ મત્તાની ચોરી કરી ફરાર
નિઝામપુરા ખાતે 80 વર્ષીય વૃદ્ધાની સામે જ નોકરાણી તેમના દાગીના અને રોકડ રકમ લઈને ભાગી ગઈ હતી. વૃદ્ધાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તે ભાગી ગઈ હતી. તેઓએ ફતેગંજ પોલીસ મથકમાં 1.40 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધાએ જણાવ્યું હતું કે, સોનાની બુટ્ટી મને ખૂબ ગમે છે, જે પાછી આપી, બાકીનું બધું લઈ લે તો વાંધો નહીં.
નિઝામપુરાની તાસ્કંદ સોસાયટીમાં રહેતાં 80 વર્ષીય વિમળાબહેન પટેલ દીકરા સાથે રહે છે, જ્યારે તેમની દીકરી અમેરિકામાં રહે છે. જ્યારે તેમના ઘરે 3 વર્ષથી અરૂણા રાઠવા અને તેનો પતિ મેહુલ રાઠવા કામ કરે છે. વૃદ્ધાએ તેઓને રહેવા ઘરના કમ્પાઉન્ડમાં ઓરડી પણ આપી હતી. નોકર દંપતી એક રેસ્ટોરન્ટમાં પણ કામ કરતું હતું.વૃદ્ધાની ગામડામાં જમીન હોવાથી તેમનો ભત્રીજો ત્યાં ખેતી કરે છે. હાલમાં જમીનના ભાગે આવતા રૂા.50,400 તેણે વૃદ્ધાને આપ્યા હતા. જે વૃદ્ધાએ અરૂણાને આપી કબાટમાં મૂકવા કહ્યું હતું. થોડા દિવસ પહેલાં તેઓનું 10 હજાર પેન્શન આવ્યું હોવાથી તે રૂપિયા વૃદ્ધા બેંકમાંથી ઉપાડી લાવ્યાં હતાં અને તે પણ અરૂણાને મૂકવા આપ્યા હતા. જે કબાટમાં રૂપિયા મૂકાવ્યા હતા તેમાં વૃદ્ધા અને તેમની દીકરીના સોનાના દાગીના ઉપરાંત અમેરિકન ડોલર હતા.
ગત મહિને 20મીએ અરૂણા ઘરમાંથી કંઈ લઈ જતી હતી. જેથી વૃદ્ધાએ તેને રોકવા પ્રયાસ કર્યો, પણ તે ભાગી ગઈ હતી. વૃદ્ધાને શંકા જતાં તેઓએ કબાટમાં તપાસ કરતાં સોનાના દાગીના, 60 હજારની રોકડ અને અમેરિકી ડોલર સહિત 1.40 લાખની મતા ગુમ હતી. આ બાબતે વૃદ્ધાએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધાએ કહ્યું કે, અરૂણાનો 1 વર્ષનો છોકરો છે. મારી દીકરીને આ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, આપણા નસીબમાં આ દાગીના નહીં હોય એટલે જતા રહ્યા. તું ફરિયાદ પાછી ખેંચી લે. આપણે ગરીબના નિસાસા નથી લેવા.