થોડા દિવસ પહેલા સુરતના ડિંડોલીમાં પોલીસ ઇન્સ્પેકટર એચ. જે. સોલંકીએ પોતે પહેરેલ ખાખી વર્દીનો દુરુપયોગ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ડિંડોલીના પીઆઇ સોલંકીએ રોડની બાજુમાં પોતાની કાર લઈને ઉભેલા એક વકીલને કોઈ કારણ વગર લાત મારી દીધી હતી. જેના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. આ બનાવમાં સ્થાનિક પોલીસે એડવોકેટની ફરિયાદ લીધી ન હતી. ત્યારબાદ વકીલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટે પુરાવાના આધારે ડિંડોલીના પીઆઇ સામે સખત કાર્યવાહી કરી 3 લાખ રૂપિયાનો દંડ ફ્ટકાર્યો હતો.
સમગ્ર ઘટના વિશે આપને જણાવી દઈએ કે સુરતના ડિંડોલીના એડવોકેટ હિરેન નાઈ અને તેમના મિત્રો પોતાની કાર રોડની બાજુમાં પાર્ક કરી અંદર બેઠા હતા. તે દરમ્યાન ડિંડોલીના પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. જે. સોલંકી ત્યાં આવીને કોઈપણ કારણ વગર એડવોકેટ હિરેન નાઈને લાત મારી દીધી હતી. એટલુંજ નહી પણ મુક્કા મારીને અપશબ્દો પણ બોલવા લાગ્યા હતા. આ સમગ્ર મામલે એડવોકેટ હિરેન નાઈ ડીંડોલી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તેમણે ડીંડોલી પોલીસને પોતાની આપ વીતી જણાવી હતી. તેમ છતાં કસુરવાર પોલીસ ઇન્સ્પેક્ટર સામે કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી.
ડીંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એક નિર્દોષ વકીલને કોઈ કારણ વગર લાત મારીને અપમાનજનક શબ્દો બોલવા બદલ સમગ્ર વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સુરત વકીલોએ એકત્ર થઈ રેલી કાઢીને પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. તેમ છતાં વકીલ હિરેન નાઈની ફરિયાદ લેવામાં આવી નહી. જેથી સમગ્ર મામલે વકીલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ન્યાય માંગતી ફરિયાદ કરવામાં આવી હતી.
આ મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીરતા પૂર્વંક તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, ડિંડોલીના પીઆઇએ પોતાની ફરજમાં બેદરકારી દાખવી છે. પોતાના પદનો દુરુપયોગ કરી શકાય નહી. કોઈપણ નિર્દોષ વ્યક્તિને પોલીસ કારણ વગર માર કેમ મારી શકે. કોઈ સાચા આરોપીને પણ પૂછ્યા વગર ખોટી રીતે માર ના મારી શકાય. પોલીસ ભલે દબાણમાં કામ કરી શકે પણ તેનો મતલબ એ નથી કે પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરે. પોલીસને આવી કોઈ છૂટ આપવામાં આવી નથી.
બીજીતરફ કોર્ટે પીઆઇ સોલંકીની આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તેમણે ન્યાયતંત્ર વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાની રજુઆત કરવામાં આવી હતી. તો પછી સરકાર આવા પીઆઇ સામે કેમ કોઈ પગલા ભરતી નથી. હાઇકોર્ટના જસ્ટિજ નિર્જર દેસાઈએ પીઆઇ એચ. જે.સોલંકીની ગેરવર્તણુક અને ફરજનો ખોટો રોફ દાખવવા બદલ તેમની સામે કેવા પગલા ભરવા તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી સૂચનાઓ માંગી હતી. આવા પીઆઇ કે જે કાયદાને ઘોળી પી જાય છે તેમની સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે. નહી તો પછી વર્દીના નશામાં ચૂર પોલીસ મને પણ લાત મારશે તેવું હાઈકોર્ટના જસ્ટિજ નિર્જર દેસાઈએ ટકોર કરી હતી.
વધુમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે ઘટના સ્થળના વિડીયો જોઈને એવુ અનુમાન થાય છે કે પીઆઇ સોલંકી પોતાની જાતને કોઈ હિન્દી ફિલ્મના હીરો સમજે છે.ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તેમણે એક નિર્દોષ વ્યક્તિને લાત મારીને અપમાનિત કર્યા અને ગાળો પણ બોલી છે. આવા પીઆઇને કોઈ સંજોગોમાં માફ કરી શકાય નહી. પોલીસનું આવું ગેરકાયદેસર દમન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહી આવે. જેથી આ મામલે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિજ નિર્જર દેસાઈ સાહેબે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. જે. સોલંકીની આકરી ટીકા કરી ત્રણ લાખ રૂપિયાનો દંડ ફ્ટકાર્યો હતો.