ગામડું હોય કે શહેર, હવે ગુજરાત પોલીસની નજરમાંથી બચવું ગુનેગારો માટે આસાન નહીં હોય. ગુજરાત પોલીસે આદિજાતિ વિસ્તારમાં પણ પોલીસિંગ માટે નવા ધોરણો સ્થાપિત કર્યા છે. દાહોદનાં ઝાલોદમાં મંદિરમાંથી ચોરી કરીને ભાગેલા આરોપીને પોલીસે ટેક્નોલોજીની મદદથી ગાઢ જંગલમાંથી પણ દબોચી કાઢ્યો હતો. પોલીસ ટીમ દ્વારા ચોરીનાં ગુનેગારને ટ્રેક કરવા માટે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અભિનંદન સાથે બિરદાવી હતી. ઝડપાયેલો આરોપી અગાઉ 70 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
ગૃહરાજ્ય મંત્રીએ દાહોદ એસપી અને તેમની ટીમને બિરદાવી
જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં દાહોદનાં ઝાલોદમાં આવેલા એક મંદિરમાંથી ચોરી કરીને ભાગતા આરોપીને પોલીસે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી ગાઢ જંગલમાંથી પણ ઝડપી પાડ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમની પોસ્ટમાં લખ્યું કે, દાહોદ SP અને ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી! શું તમે ક્યારેય વિચાર્યું છે ? આદિજાતિ જિલ્લા પોલીસ થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને કેસને ઉકેલ્શે ? ગ્રામીણ પોલીસિંગ માટે નવા ધોરણો સ્થાપિત થયા છે!
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘ગઈકાલે એક મંદિરમાં ચોરી કરીને એક ચોર ગાઢ જંગલમાં ભાગી ગયો હતો, પણ DSP દાહોદ અને તેમની ટીમે ચોરને ભાગવા દીધો નહોતો! તેઓએ ગુનેગારને ટ્રેક કરવા અને પકડવા માટે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ ઉત્કૃષ્ટ કામગીરી માટે DSP દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા ગર્વ અનુભવું છું!’