વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત છે. આજે પીએમ મોદીએ વાવોલના સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને મળીને ગાંધીનગર ખાતે ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કર્યું છે. તમને જણાવી દઈએ કે આ સમિટ ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમ 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ ઉદ્ઘાટન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. તેમની સાથે ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ આ પ્રસંગે હાજરી આપી છે.
આ સમિટનું પ્રથમ વખત આયોજન ફેબ્રુઆરી 2015માં નવી દિલ્હી ખાતે થયું હતું. જ્યારે બીજી સમિટ ઓક્ટોબર 2018માં દિલ્હી NCRમાં થઈ હતી. ત્રીજી સમિટ નવેમ્બર 2020માં કોવિડ-19ને કારણે વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી. આ વર્ષે ચોથી સમિટ પ્રથમ વખત દિલ્હીની બહાર ગુજરાતમાં યોજાઈ છે.
આ RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ્સ યોજાશે. જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઈ, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ સમિટમાં હાજર રહેશે.