ગાંધીનગરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ વિસર્જનની ઘટનામાં વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો પાણીમાં ડૂબી ગયાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી અનુસાર 8 મૃતદેહો પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
પ્રાથમિક અહેવાલ અનુસાર મેશ્વો નદીમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી છે. ગણેશ વિસર્જન વખતે જ 10 જેટલાં લોકો પાણીમાં ડૂબી ગયા હતા અને તેમાંથી 8 યુવાનોનાં તો ઓન ધ સ્પોટ મોતના અહેવાલ મળી રહ્યા છે. વાસણા સોગઠી ગામે આ ઘટના બની હતી. જેના લીધે તહેવારની ઉજવણી અચાનક જ માતમમાં ફેરવાઈ ગઇ હતી.
અત્યાર સુધીની માહિતી અનુસાર જ્યારે આ ઘટનાની જાણકારી ગામના લોકો સુધી પહોંચી તો તેઓ તાત્કાલિક ધોરણે બચાવ કરવા માટે દોડી આવ્યા હતા. ગામના યુવાનોએ રાહત અને બચાવ કામગીરી કરનારી બચાવ ટુકડી સાથે મળીને લોકોને બચાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા. જોકે હજુ સુધી મોટાભાગના મૃતદેહો મળ્યા છે અને અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.