ગાંધીનગર નજીક આવેલા મોટી આદરજમાં ઘાયલ યુવાનોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ગાંધીનગર શહેર નજીક આવેલા મોટી આદરજમાં મેળા દરમિયાન ચકડોળની ટિકિટ લેવામાં ધક્કામુક્કી થતાં ત્રણ શખ્સોએ લોખંડના પંચ વડે પાંચ મિત્રો ઉપર હુમલો કરતા ઘાયલ થયા હતા અને તેમના સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી વળતી વિગતો પ્રમાણે મોટી આદરજ ગામમાં રહેતો દશરથજી વજાજી ઠાકોર ગઈકાલે સાંજના તેના મિત્રો આશિક જગાજી ઠાકોર, રણવીર દિલીપજી ઠાકોર, અર્જુન ચેલાજી ઠાકોર તથા અનિલ કાંતિજી ઠાકોર સાથે ગામની ભાગોળ ખાતે ધરો આઠમના મેળામાં ગયો હતો અને બધા મહાદેવ મંદીરની પાસે ચકડોળની ટીકીટ લેવા ઉભા હતા.તે દરમ્યાન તેમનાં ગામના સુનિલ ઉર્ફે ચેતુ વિરમજી ઠાકોર, આલોક ગણપતજી ઠાકોર તથા ખોડાજી મંગાજી ઠાકોર ધક્કામુકી કરતા દશરથે ધક્કામુકી કરવાની ના પાડી હતી. જેથી ઉક્ત ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી પાંચેય મિત્રોને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમ્યાન સુનીલે હાથમા રહેલ પંચ જેવા હથિયાર વડે દશરથનાં પાછળના ભાગે મારી દીધોહતો. ત્યારબાદ રણવીર અને અનિલે પણ અન્ય મિત્રોને પંચ મારીને લોહી લુહાણ કરી દીધા હતા. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતાં ત્રણેય જણા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં પાંચેય મિત્રોને લોહી લુહાણ હાલતમાં ૧૦૮ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.