વડોદરાના પૂર્વ વિસ્તારમાં જ્વેલર્સ શોરૂમમાંથી દાગીનાની ખરીદી કરી ઓનલાઇન પેમેન્ટ કરવાના બહાને કપટ કરીને કારમાં ફરાર થઈ ગયેલા બે ગઠીયા પૈકી એકને પોલીસે ઝડપી પાડ્યો છે.
સમતા વિસ્તારમાં આવેલા ભવાની જ્વેલર્સમાં તાજેતરમાં કાર લઇ આવેલા બે યુવકોએ ચાર તોલાની બે ચેન ખરીદી હતી. ત્યારબાદ રૂપિયા પોણા ત્રણ લાખનું પેમેન્ટ કેનેડાની એપ્લિકેશન પરથી કરી બંને ઠગ કારમાં ફરાર થઈ ગયા હતા.
ચોકસીએ તપાસ કરતા આ પેમેન્ટ તેમના એકાઉન્ટમાં જમા થયું ન હતું અને બંને ઠગનો કોઈ પત્તો પણ લાગ્યો ન હતો. જેથી તેમણે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ ગુનામાં આકાશ દિનેશચંદ્ર જાની (વિઠ્ઠલધામ સોસાયટી, માંજલપુર) ને દિવાળીપુરા રોડ પરથી ઝડપી પાડયો છે. આકાશે માંજલપુરમાં પણ આવી રીતે છેતરપિંડી કરી હોવાની પોલીસને માહિતી મળી છે. જેથી માંજલપુર પોલીસે પણ જાણ કરવામાં આવી છે.