ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં પાણીનો આવરો ચાલુ છે ત્યારે નદીમાં નહીં ઉતરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવા છતાં ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે પરિવાર સાથે નદીમાં નાહવા ગયેલા સાબરમતીના કિશોરનું મોત થયું છે. ત્યારબાદ પોલીસે અહીં નાહવા આવેલા લોકોને ભગાડયા હતા.
ચોમાસાની આ ઋતુ દરમિયાન તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને તેના કારણે ગાંધીનગરનું સંત સરોવર ભરાયું છે અને તેમાં પાણીનો સતત આવરો ચાલુ રહેવાને કારણે નદી કિનારાના ગામોમાંથી સાબરમતી નદીમાં નહીં ઉતરવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં ધોળેશ્વર મંદિર સહિત આસપાસના નદી કિનારા વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો નદીમાં નાહવા પડતા હોય છે.
ગઈકાલે રવિવારની રજા અને ષિ પાંચમને પગલે મોટી સંખ્યામાં લોકો ધોળેશ્વર મંદિર પાસે નદીમાં નાહવા પડયા હતા. ત્યારે અમદાવાદના સાબરમતી કેશવનગર ખાતે રહેતો કિશોર અજય નરસિંહરામ ચૌધરી પણ તેના માતા-પિતા સાથે ધોળેશ્વર મંદિરે દર્શન કરવા આવ્યો હતો ત્યારબાદ પરિવાર નીચે નદીમાં ઉતર્યો હતો માતા પિતા નદીમાં હાથ પગ ધોઈ રહ્યા હતા તે દરમિયાન અજય પાણીમાં નાહવા માટે પડયો હતો અને ઊંડા ખાડામાં ઘરકાવ થઈ જતા દોડધામ મચી ગઈ હતી.
આ સંદર્ભે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કાફલો ઘટનાસ્થળે ઉપર પહોંચ્યો હતો અને એક કલાકની જહેમત બાદ આ કિશોરના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢયો હતો. તો બીજી બાજુ ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને નદીમાં નાહવા માટે આવેલા લોકોને ત્યાંથી ભગાડી મૂક્યા હતા. આગામી દિવસમાં ગણેશ વિસર્જન પણ થવાનું છે ત્યારે પોલીસ દ્વારા નદી કિનારે વધુ સતર્કતા દાખવવાની જરૃર છે.