વડોદરાના ગોત્રી વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા મધરાતે બે યુવક મંડળો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યા બાદ એક યુવક મંડળના સદસ્ય પર શ્રીજીની સવારી લઇ નીકળેલા યુવકો દ્વારા હુમલો કરવાનો બનાવ બનતાં પોલીસે યુવક મંડળના આઠ સભ્યોની ધરપકડ કરી છે.
ગોત્રીના અયોધ્યાનગરમાં રહેતા વિજય રાજુભાઇ શર્મા અને મંડળના અન્ય સભ્યો ‘અયોધ્યા કા રાજા’ની સ્થાપના માટે તૈયારી કરતા હતા તે દરમિયાન ગોકુળનગરના ચિંતામણી કિંગ યુવક મંડળની શોભાયાત્રામાં ડીજેમાં બાપ તો બાપ કહેવાય, સિંહ તો સિંહ કહેવાય..જેવા ગીતો વગાડવામાં આવતા હતા. આ ઉપરાંત ચિંતામણી મંડળના કોઈક યુવક દ્વારા માઇકમાં પણ સબ લોક દેખ રહે હૈ, ઓર કુછકર નહિ પા રહે હૈ..ઓપન ચેલેન્જ હૈ,જો કરના હે વો આ જાએ..આગમન મેં હમારી મૂર્તિ તૂટતી નહિં, બારીશ હોતી હૈ..જેવા ઉચ્ચારણો કરવામાં આવી રહ્યા હતા.
જેથી અયોધ્યા કા રાજા મંડળના યુવકે સામે પક્ષે મંડળના યુવકોને આમ નહિ કરવા માટે કહેવા જતાં કેટલાક લોકોએ ટી શર્ટ કાઢીને નાચી અયોધ્યા કા રાજા મંડળના યુવક સાથે ઝપાઝપી કરવા માંડી હતી. હુમલામાં વિજયભાઈ શર્માને કડુ વાગવાથી ઇજા થઇ હતી. જ્યારે અન્ય બે જણાને પણ ઓછીવત્તી ઇજા થઇ હતી.ઉપરોક્ત બનાવ અંગે ગોત્રી પોલીસે તેજસ સોનેરા,મિહિર સોનેરા, સુનિલ કોલેકર,ગણેશ ચિત્તે (તમામ રહે.ગોકુળ નગર,ગોત્રી),અક્ષિતરાજ, ભરત મકવાણા (બંને રહે.ચંદ્રમૌલેશ્વર નગર, ગોત્રી) તેમજ શ્લોક દિપલ શાહ (સંસ્કાર નગર, ગોત્રી) અને પૂનમ માળી (પાર્વતી નગર,ગોત્રી) ની ધરપકડ કરી છે.