શહેરના થલતેજ વિસ્તારમાં એક યુવકનું અપહરણ કર્યા બાદ ચાલુ કારમાં તેને માર મારીને અવાવરૂ જગ્યા પર લઈ જઈને 40 હજાર રૂપિયા ગુગલ-પેમાં ટ્રાન્સફ કરી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
અજાણ્યા શખસોએ અપહરણ કરીને યુવકને અવાવરૂ જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં તેની પાસે ગૂગલ-પેનો પાસવર્ડ પણ માગ્યો હતો. યુવકે પાસવર્ડ ખોટો આપતા તેને અપહરણકારોએ માર પણ માર્યો હતો. યુવકનું ગૂગલ સ્નેકર સ્કેન કરીને તેના ખાતમાંથી 40 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
થલતેજ વિસ્તારમાં આવેલા રાધેય એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે રહેતા પુજન વસોયાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આયુષ રબારી નામના યુવક વિરૂદ્ધ અપહરણ અને લૂંટની ફરિયાદ કરી છે. પુજન ભાડેથી રહે છે અને નોકરી કરીને ગુજરાન ચલાવે છે.
ગઈકાલે પુજન અને તેના રૂમમાં રહેતો ખુશ રાદડીએ જમી બાગબાન પાર્ટી પ્લોટ નજીક આવેલા ડેસબ્રોસ કાફેમાં બેસવા માટે ગયો હતા. પુજન ચાલતો ચાલતો કાફે સુધી પહોંચે તે પહેલા બ્લેક કલરની કાર તેની પાસે આવી ઉભી રહી હતી. પુજન કઈ વિચારે તે પહેલા કારચાલકે તેને હાથ પકડીને ગાડીમાં બેસાડી દીધો હતો. ગાડીમાં પહેલાથી બીજા યુવકો પણ બેઠા હતા. કારચાલકે પુજનનું રીતસરનું અપહરણ કરીને શીલજ બ્રિજ તરફ લઈ ગયો હતો.
ચાલુ રસ્તામાં પુજનની સીટ આડી પાડીને બે યુવકોએ તેને લાફા મારવાનું શરૂ કરી દીધું હતું. ત્રણેય શખસ પુજનને અવાવરૂ જગ્યા પર લઈ ગયા હતા અને મોબાઇલ લઈ ઝુંટવી લીધો હતો.
મોબાઈલ ઝુંટવી લીધા બાદ ત્રણેય શખસે તેનું ગૂગલ-પે ખોલ્યું હતું અને પાસવર્ડ માગ્યો હતો. પુજને ત્રણ વખત ખોટો પાસવર્ડ આપ્યો હતો. જેથી ત્રણેયે તેને વધુ માર માર્યો હતો. ત્રણેયે ધમકી આપી હતી કે, તું તારા ગુગલ-પેનો સાચો પાસવર્ડ આપી દે અને પછી તને જ્યાંથી ઉપાડ્યો હતો ત્યાં મૂકી દઇશું. પુજને ગુગલ-પેનો સાચો પાસવર્ડ આપી દીધો હતો અને બાદમાં ગઠિયાઓએ સ્નેકર સ્કેન કરી લીધું હતું. ત્રણેયે અંદોરદર વાત કરી હતી કે, આપણું કામ થઈ ગયું છે, હવે આને ઉતારી દઇએ. ત્રણેય શખસે પુજનને ઉતારી દીધા બાદ નાસી ગયા હતા.
પુજને ગૂગલ-પે ચેક કરતા ગઠિયાઓએ આયુષ રબારીના ખાતામાં 40 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. પુજન તુરંત જ તેના રૂમ પર ગયો હતો અને તેના મિત્રને હકિકત કહી હતી. બોડકદેવ પોલીસે આ મામલે ત્રણ શખસ વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.