
ગાંધીનગરના વીઆઈપી જ માર્ગ ઉપર વધતા અકસ્માતો, પુત્રીને હોસ્પિટલમાં મૂકી જઈ રહ્યા હતા તે દરમિયાન કાર કાળ બનીને આવી : પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો.
ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના વીઆઈપી એવા જ માર્ગ ઉપર આજે બપોરના સમયે જઈ રહેલા કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. પોલીસે હાલ કાર ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેરના રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો પણ વધી રહ્યા છે. આ સ્થિતિમાં શહેરના વીઆઈપી એવા જ માર્ગ ઉપર આજે બપોરે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં દહેગામના આધેડનું મોત થયું હતું. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં રહેતા દિનેશભાઈ સોમાભાઈ આર્યન નિવૃત્તિ જીવન ગુજારી રહ્યા છે. જ્યારે તેમની પુત્રી હષકા સેક્ટર ૩માં આવેલી ખાનગી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીસ્ટ તરીકે ઇન્ટરનશીપ કરી રહી છે. આજે તેમની પુત્રીને ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોવાથી દિનેશભાઈ બાઈક ઉપર તેને મૂકવા ગયા હતા અને ત્યારબાદ તેઓ બાઈક લઈને જ માર્ગ ઉપર ચ-ઝીરો તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ઇન્દ્રોડા ગામ પાસે પાછળથી આવી રહેલી કારે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હાથની આંગળીઓ પણ કપાઈને બોનેટ સાથે ચોંટી ગઈ હતી. એટલું જ નહીં દિનેશભાઈ જમીન ઉપર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સ્થળ ઉપર જ તેમનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટનાને પગલે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પણ થંભી ગયા હતા અને આ અંગે સેક્ટર ૭ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ શરૃ કરી હતી.