જ્યોર્જીયામાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતી યુવતીએ અભ્યાસના ટેન્શનમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નિઝામપુરાની નતાશા પાર્ક સોસાયટીમાં રહેતી પ્રિન્સી ક્રિશ્ચન ( ઉં.વ.૧૮) જ્યોર્જીયામાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતી હતી. ત્યાંની અંગ્રેજી ભાષા તેમજ અભ્યાસના ભારણના કારણે તે સતત ટેન્શનમાં રહેતી હતી. હાલમાં વેકેશન હોઇ તે વડોદરા પોતાના ઘરે આવી હતી. છેલ્લા એક મહિનાથી તે વડોદરા આવી હતી. તા. ૭ મી ના રોજ તેણે પરત જવાનું હતું. પરંતુ, ગત તા. ૬ ઠ્ઠીએ તેણે રૃમમાં પંખા પર દુપટ્ટા વડે ફાંસો ખાઇ લીધો હતો. તેની માતા જોઇ જતા પુત્રીને નીચે ઉતારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. પંરતુ, તેનો જીવ બચી શક્યો નહતો.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, શહેર નજીકના ખલીપુર ગામે વચલા ફળિયામાં રહેતા ૨૬ વર્ષના અમિત બાબુભાઇ રાઠોડે પંખા પર સાડી વડે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા અટલાદરા પોલીસે તપાસ હાથ ધરી છે. પત્ની સાથેના ખટરાગના કારણે તેણે આપઘાત કર્યો હોવાની શંકા હાલમાં સેવાઇ રહી છે.