પાટનગર કહેવાતા ગાંધીનગરમાં જ મહિલાઓ અસલામત, ચિલોડા-દહેગામ હાઇવે ઉપર
૧૨ દિવસ અગાઉ મહિલાએ સીસીટીવી ફુટેજના પુરાવા સાથે દહેગામ પોલીસને ફરિયાદ કરી છતાં ફરિયાદ નોંધી ન હતી : ૧૨ દિવસ બાદ આરોપીઓને શોધવા ત્રણ ટીમો કામે લાગી
સ્ત્રી અત્યાચારના વધતા બનાવો સામે સ્ત્રી સશકિતકરણની વાતો પોકળ સાબિત થઇ રહી છે તાજેતરમાં કોલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બનેલી રેપ અને મર્ડરની ઘટનાથી દેશ આખો આક્રોશમાં હતો, ત્યારે ગુજરાતમાં પણ હવે મહિલાઓ સાથે છેડતીની ઘટનાઓ વધી રહી છે. અને આવો જ એક કિસ્સો દહેગામમાં સામે આવ્યો છે. ગિફ્ટસીટીમાં નોકરી કરતા પતિ સાથે દહેગામના એક ફ્લેટમાં રહેતી મહિલાની છેડતીના ૧૨ – ૧૨ દિવસ બાદ ભારે હંગામો અને મહિલાના ગંભીર આક્ષેપનો વિડીયો સામે આવ્યા બાદ ગાંધીનગર પોલીસ પોતાની આબરૃ બચાવવા કામે લાગી હતી અને મહિલાના ઘરે પહોંચી ફરિયાદ નોંધી છે. અત્યાર સુધી આજ પોલીસ પોતાની હદ ના હોવાનું કહી રહી હતી. તો બીજી તરફ આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓને શોધી કાઢવા ત્રણ ટીમો બનાવી છે.
કોલક્તાના વતની મહિલા દહેગામથી ગાંધીનગર તેના પતિ સાથે હોટેલમાં જમવા ગયા હતા. ગાંધીનગરથી પરત ફરતી વખતે ચિલોડાથી ઈસનપુરના રસ્તાથી ત્રણ બાઈક સવારોએ આ મહિલાનો પીછો કર્યો હતો. વારંવાર આ બાઈક સવારોએ મહિલા સાથે અડપલાં કરતા રહ્યા અને બાઈકને ક્રોસ કરી બાઈકથી નીચે પાડવાનો પ્રયત્ન કરતા રહ્યા. પછી તેઓ રસ્તા પર આવેલી એક દુકાન પર રોકાયા હતાં. જો કે દુકાન પર રોકાયા બાદ આ બાઈક સવારો મહિલાને ધક્કો મારીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે મહિલા અને તેના પતિ દુકાન પર થોડીવાર રોકાયા બાદ ત્યાંથી નિકળ્યા તો આગળ જતાં પેટ્રોલ પંપ પર બાઈક સવારો ઉભા રહ્યા હતા અને ત્યાંથી ફરીથી તેમનો પીછો કરતાં રહ્યા, જો કે મહિલા અને તેના પતિએ સ્પીડમાં બાઈક ચલાવી ત્યાંથી નિકળી ગયા હતા.
આ ઘટના ૨૫ ઓગસ્ટના રાતની છે એ દિવસે બહુ વરસાદ હોવાથી, બીજે દિવસે આ મહિલા પેટ્રોલ પંપ પરથી સીસીટીવી ફુટેજ લઈને પોલીસ પાસે પહોંચી અને આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ ઘટનાને આજે ૧૨ દિવસથી ઉપર થઈ ગયા છે પરંતુ પોલીસ હજુપણ ઘોર નિંદ્રામાં છે. કેમ પોલીસ કોઈ એક્શન નથી લઈ રહી. ગુજરાતમાં પણ કોલકત્તા જેવી ઘટના બને તેની પોલીસ રાહ જોઈ રહી છે.
મહત્વનું છે કે, કોલક્તાના વતની આ મહિલાનો પતિ ગિફ્ટ સિટીમાં નોકરી કરે છે. અને આ દંપતી દહેગામમાં રહે છે. ભોગ બનનાર મહિલાનું કહેવું છે કે, અમે એવું વિચારીને ગુજરાત આવ્યા હતા કે, ગુજરાત મહિલા સુરક્ષા બાબતે અન્ય રાજ્યો કરતાં મોખરે છે, પણ તેની સાથે આ બનાવ બનતાં હવે આ મહિલા ગુજરાતને પણ કોલકત્તાની જેમ અસુરક્ષિત ગણાવી રહી છે. ત્યારે અહીં સવાલ થાય છે કે, ૧૨-૧૨ દિવસ વિતી ગયા બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી.