ગૃહ કલેશના કારણે લગ્નના ચાર મહિનામાં જ જીવનનો કરુણ અંજામ આવ્યો, પતિએ કહ્યું ગુસ્સો આવતા ગળે ટૂંપો આપી પત્નીન મારી નાંખી છે
નારોલમાં ગૃહ કલેશના કારણે લગ્નના પાંચ મહિનામાં જ જીવનનો કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખાસ કરીને ગઇકાલે રાતે જમવાની બાબતમાં પતિ અને પત્ની વચ્ચે તકરાર થઇ હતી જેમાં ગુસ્સામાં આવીને પતિએ ગળે ટાંપો આપીને પત્નીની હત્યા કરી હતી એટલું જ નહી હત્યા કર્યા બાદ આરોપીએ પોલીસ સ્ટેશને જઇને પોતે જ પત્નીની હત્યા કરીને હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે ખૂનનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જમવાનું બનાવતા નથી આવડતું નથી કહીને પતિ ઝઘડો કરતો હતો ઃ પોલીસ સ્ટેશનમાં જઇને પતિએ કહ્યું ગુસ્સો આવતા ગળે ટૂંપો આપી પત્નીન મારી નાંખી છે
વટવામાં દુર્ગાનગર પાસે કુશાભાવ ઠાકરેનગર ખાતે રહેતી ૪૮ વર્ષની મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલ શાહવાડી ખાતે રહેતા પોતાના જમાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની સૌથી મોટી ૩૧ વર્ષની પુત્રીના લગ્ન ગત તા. ૨૮-૦૪-૨૦૨૪ આરોપી સાથે થયા હતા. આરોપી ગાંધીનગરમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેમની દિકરી વટવાની એક શાળામાં નોકરી કરતી હતી તેઓ મહિના પહેલા જ નારોલના શાહવાડી વિસ્તારમાં ભાડે રહેવા આવ્યા હતા.
બીજીતરફ પતિ-પત્ની વચ્ચે જમવાની બાબતમાં અવારનવાર ઝઘડા થતા હતા જેમાં પતિએ તું બરાબર જમવાનું બનાવતી નથી કહીને તકરાર કરતો હતો. જ્યાં ગઇકાલે રાત્રે પતિ અને પત્ની વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો. જેથી આરોપી પતિએ ગુસ્સામા આવીને પત્નીને ગળે ટૂંપો આપીને હત્યા કરી નાખી હતી ત્યારબાદ પતિ પોલીસ સ્ટેશન પહોચ્યો હતો અને મે મારી પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઘટના અંગે મૃતકની માતાએ જમાઇ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.