કલોલમાં નોંધાયેલા બે ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપીને પકડવા જીઇબી કર્મચારીનો વેશ ધારણ કરવો પડયો
ગાંધીનગર એલસીબી દ્વારા જામજોધપુરમાં ખેત મજૂરી કરતા આરોપીને પકડવા જીઇબી કર્મચારીનો વેશ ધારણ કરવો પડયો
કલોલ તાલુકામાં નોંધાયેલા ઘરફોડ ચોરીના બે ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી ફરાર ચડ્ડી બનીયાનધારી ટોળકીના મુખ્ય સૂત્રધારને ગાંધીનગર એલસીબી દ્વારા જામજોધપુરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. ખેત મજૂર તરીકે રહેતા આરોપીને પકડવા માટે પોલીસે જીઈબીના કર્મચારીનો વેશ ધારણ કરવો પડયો હતો.
ગાંધીનગર જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં નોંધાતા ગુનાઓમાં આરોપીઓ પકડાતા નથી ત્યારે એલસીબીની ટીમો દ્વારા આ આરોપીઓની યાદી તૈયાર કરીને તેમને પકડવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવતી હોય છે.
કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર વર્ષ અગાઉ નોંધાયેલી બે ઘરફોડ ચોરીના ગુનામાં દાહોદની ચડ્ડીબનીયાનધારી ટોળકીના નામ બહાર આવ્યું હતું અને તેનો મુખ્ય સૂત્રધાર માજુભાઈ મગનભાઈ મંડોળ ફરાર થઈ ગયો હતો. જેને શોધવા માટે દાહોદ સહિતના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી એલલસીબીની ટીમ તપાસ કરી રહી હતી પરંતુ તે હાથમાં આવતો ન હતો. દરમિયાનમાં ગાંધીનગર એલસીબી ટુ ના પીએસઆઇ કે.કે પાટડીયા અને તેમની ટીમ આરોપીને શોધી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, માજુભાઈ મગનભાઈ મંડોળ જામજોધપુર ખાતે ખેત મજૂર તરીકે પરિવાર સાથે રહે છે. જેથી પોલીસ ત્યાં પહોંચી હતી પરંતુ પોલીસને જોઈ આ આરોપી ભાગી ન જાય તે માટે જીઈબીના કર્મચારીનો વેશ પોલીસ દ્વારા ધારણ કરવામાં આવ્યો હતો અને ત્યાં રોકાઈને રાત્રિના સમયે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ તેની અટકાયત કરીને કલોલ તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. આરોપીને પૂછપરછ દરમિયાન ચોરી સંબંધિત અન્ય વિગતો પણ બહાર આવવાની શક્યતા જોવામાં આવી રહી છે.