રસોડાની બારીમાંથી પ્રવેશેલા તસ્કરો સોનાના દાગીના અને રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ વધી રહ્યા છે ત્યારે ખોરજમાં આવેલા સેન્ટોસા ગ્રીન બંગલોમા તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનની બારીમાંથી પ્રવેશ કરીને સોનાના દાગીના અને રોકડ રકમ મળી ૧.૪૫ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોની શોધખોળ શરૃ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસનો ગ્રામ્ય વિસ્તાર હાલ તસ્કરોના ટાર્ગેટ ઉપર છે ત્યારે એક પછી એક ગામોમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે ત્યારે શહેર નજીક આવેલા ખોરજની સેન્ટોસાગ્રીન વસાહતમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બંગલા નંબર ૨૪માં કોન્ટ્રાક્ટરનું કામ કરતા અમૃતભાઈ સોમાભાઈ સથવારા પરિવાર સાથે રહે છે. ગત શનિવારની રાત્રીના સમયે તે અને તેમની પત્ની ઉપરના માળે સુઈ રહ્યા હતા અને તેમનો પુત્ર મોડે સુધી ટીવી જોતો હતો ત્યારબાદ તે પણ ઉપરના માળે તેના રૃમમાં સુવા માટે ગયો હતો. આ દરમિયાન અમૃતભાઈ સવારે નીચે આવ્યા હતા તે દરમિયાન જોયું તો ઘરમાં સામાન વેર વિખેર હાલતમાં હતો અને રસોડાની બારી તેમજ દરવાજો પણ ખુલ્લો હતો ત્યારબાદ ઘરમાં તિજોરીમાં તપાસ કરતા ડ્રોવર ખુલ્લું હતું અને તેમાંથી રોકડ અને દાગીના મળી ૧.૪૫ લાખ રૃપિયાની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. જેથી તસ્કરો ત્રાટક્યા હવાનું માલુમ પડયું હતું. આ સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પડવા માટે દોડધામ શરૃ કરી હતી. છેલ્લા ઘણા સમયથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીના ઘટનાઓ વધી રહી છે પરંતુ તસ્કરો હાથમાં નહીં આવવાથી મકાનો નિશાન બની રહ્યા છે.