શ્રાવણ ગયો પણ જુગાર હજી સમતો નથી, પોલીસે જુગારીઓ પાસેથી ૧૪ હજારનો મુદ્દામાલ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હજી જુગારની પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી ત્યારે રાધેજા ગામમાં જુગાર રમવા માટે બેઠેલા પાંચ જુગારીઓને પેથાપુર પોલીસે ઝડપી લઈને ૧૪ હજાર રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન જુગારની પ્રવૃત્તિ ખૂબ જ ફૂલી ફાલતી હોય છે અને ખાસ કરીને સાતમ આઠમના તહેવારો દરમિયાન ઠેક ઠેકાણે જુગાર રમાતો હોય છે ત્યારે આ તહેવારો પૂર્ણ થઈ ગયા પરંતુ જુગાર બંધ થવાનું નામ લેતો નથી. આ સ્થિતિમાં પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, રાંધેજાથી કોલવડા જવાના માર્ગ ઉપર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળીને તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે અહીંથી જુગાર રમતા રાંધેજા ગામના જીગ્નેશ અમરતભાઈ રાવળ, રાજુ રમણભાઈ રાવળ, બાલાજી પુંજાજી પઢાર, બીપીન ભવનજી ચૌહાણ અને લાલાભાઇ કાનાભાઈ રાવળને જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૪ હજાર રૃપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.