ગાંધીનગર એલસીબી પોલીસે પકડી પૂછપરછ કરતાં માણસાના રિદ્રોલ ગામેથી 4 ઢોર ચોરીની કબૂલાત કરી
ગાંધીનગરનાં માણસાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ખેતરોમાં બાંધેલી ભેંસોની ચોરી કરતાં મોડાસાના બે શખ્સોને ગાંધીનગર એલસીબીએ ઝડપી લીધા હતા. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન તેમણે રાત્રીના સમયે વિજાપુર – માણસા રોડ ઉપર આવેલ રિદ્રોલ ગામની સીમમાંથી એક ખેતરમાં આવેલ તબેલા ઉપરથી ચાર ભેંસો તથા બે પાડીઓ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
ગાંધીનગર એસપીની મિલકત સંબંધી અનડીટેક્ટ ગુના શોધી કાઢવા તેમજ ગુનાઓ બનતા અટકાવવા સારૂ સૂચનાઓ કરેલી હોવાથી એલસીબી પીઆઈ ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જે.ચૌહાણ તથા સ્ટાફના માણસો વિજાપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમી મળી હતી કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોડાસાનો અને હાલમાં ગુજરાતી શાળાની બાજુમાં, ટાંડામાં રહેતો ભુરીયો સ/ઓ રમજાની મુલ્તાની ઉ.વ.૨૫ અને મેઘરજ તાલુકાનો જીશાન હમીદભાઇ શેખ ઉ.વ.૨૪ ગાંધીનગર જિલ્લામાં બનેલા ઢોરચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલો છે.
આ હકીકતના આધારે લોદરા ચોકડી મુકામે જઇ બંને શખ્સો મળી આવતાં ગાંધીનગર એલસીબી કચેરીએ લાવી પૂછપરછ કરતાં બંને શખ્સોએ સહ આરોપી સાથે મળી આજથી આશરે પચ્ચાસેક દિવસ અગાઉ પોતે તથા તૌફીક સફીભાઇ મુલ્તાની રહે. ચાંદ ટેકરી, મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી તથા નાસીર યુસુફખાન પઠાણ રહે. સહારા સોસાયટી, મોડાસા, તા.મોડાસા જી.અરવલ્લી વાળાઓએ ભેગા મળી રાત્રીના સમયે વિજાપુર – માણસા રોડ ઉપર આવેલ રિદ્રોલ ગામની સીમમાંથી એક ખેતરમાં આવેલ તબેલા ઉપરથી ચાર ભેંસો તથા બે પાડીઓ ચોરી કરી સફેદ કલરના મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલામાં ભરી લઇ ગયેલ વિજાપુર – માણસા રોડ ઉપર આવેલ રિદ્રોલ ગામની સીમમાંથી બે અલગ-અલગ વાડામાંથી 4 ભેંસોની ચોરી થઈ હતી. આમ ગાંધીનગર એલસીબી પોલીસે ઢોર ચોરીના શખ્સોને પકડી ગુન્હાનો ભેદ ઉકેલી વધુ તપાસ સારૂં આરોપીઓને માણસા પોલીસ સ્ટેશને સોંપ્યા હતા.