ગાંધીનગર કોર્ટમાં વકીલાત કરતા મહિલા વકીલને વોટસએપમાં મેસેજ મોકલી શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડીંગ કરી તગડો પ્રોફીટ થવાની લાલચ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઈન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડીંગના બહાને રૂ. 68 લાખ 12 હજારનો ચૂનો લગાવનાર ગેંગનો ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કરી ત્રણ ભેજાબાજો ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર સેકટર – 29 પ્લોટ નંબર 533/1 માં રહેતા અને કોર્ટમાં વકીલાત કરતા સીમાબેન લાડનાં પતિ વિકાસભાઈ વિદેશમાં નોકરી કરી રહ્યા છે. ગત તા. છઠ્ઠી જુનના રોજ સીમાબેનનાં વોટસએપમાં શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડીંગ કરી સારૂ એવું પ્રોફીટ મેળવવા માટે સતત મેસેજ આવતા હતા. અને ગ્રુપમાં જોડાવાનું કહેવામાં આવતું હતું. જેનાં પગલે સીમાબેને નવમી જુન સુધી મેસેજ આવેલા નંબર પર JILL નામના ઈસમ સાથે ચેટીંગથી વાતચીત કરી હતી.
ઈસમે અવીવા ગૃપ તરફથી વાત કરતો હોવાનું કહી શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ માટે નવું ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે તેમ જણાવ્યું હતું. અને AVIVAFTSE એકાઉન્ટ મારફતે ખરીદ-વેચાણ કરવાનું તેમજ એકાઉન્ટ મારફતે IPO, નવા સ્ટોક, બ્લોક ટ્રેડીંગ, ડેઈલી લીમીટ ટ્રેડીંગ વિગેરે તાત્કાલિક થવાનો વિશ્વાસ આપ્યો હતો. વધુમાં તેણે કંપની દ્વારા આ બાબતે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. માત્ર ખરીદ-વેચાણ ઉપર કમીશન 0.00025 ટકા અને ટ્રાન્જેક્શન ઓર્ડર પર 20 રૂપિયા ચાર્જ થાય કહીને સારા પ્રોફિટની લાલચ આપી હતી.
સીમાબેનનો નંબર AVIVA INVESTMENT ACADEMY વોટસએપ ગ્રુપમાં એડ કર્યો હતો. અને ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈનમેક્સ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી શેર ખરીદવાનું કહ્યું હતું. જેનાં કહ્યા મુજબ સીમાબેને 10 જુન થી 27 જુલાઈ સુધી રૂ. 68. 12 લાખથી વધુનું રોકાણ કરી દીધું હતું. જેની સામે સારો એવો પ્રોફિટ પણ એપ્લિકેશનમાં ડિસ્પ્લે થતો હતો. જે રકમ ઉપાડવા માટે પ્રોસેસ કરતા રકમ વિડ્રો થઈ ન હતી. અને અલગ-અલગ ચાર્જીસના નામે વધુ રકમ જમા કરાવવાનુ કહેવામાં આવતા સીમાબેનને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.
ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં પીઆઈ જે. કે. રાઠોડે ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધરી તમામ નાણાંકીય વ્યવહારોની વિગતો એકઠી કરવામાં આવી હતી. જેમાં ઉક્ત રકમ પૈકી રૂ. 6.90 લાખ તાજ ટ્રેડિંગ કંપનીનાં ICICI બેંક એકાઉન્ટમાં જમા થયા હોવાનું સામે આવ્યું હતું.
આ બાબતે પીઆઇ સાહેબ રાઠોડે જણાવ્યું હતું કે, આ ગુના અન્વયે ત્રણ જણાની ધરપકડ કરી લેવાઈ છે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં રહેતા મહમદ શફી અકબરભાઇ સૈયદને ગેમીંગના લીગલ પૈસા બેંક ખાતામાં જમા કરાવવાનુ અને જે રકમ જમા થાય તેના 2 ટકા કમીશન આપવાની લાલચ આપી બેંક ખાતાની ચેક બુક, એ.ટી.એમ. કાર્ડ, નેટ બેંન્કિંગના યુઝરનેમ-પાસવર્ડ જેવી માહિતી અલગ- અલગ મળતીયા માણસો મારફતે આરોપી ભયલુખાન ઉર્ફે નાસીર રૂસ્તમભાઇ બલોચ દ્વારા મેળવવામાં આવી હતી.
આરોપી ભયલુખાન ઉર્ફે નાસીરે ઉપરોક્ત એકાઉન્ટ ની કીટ સઈમ યુનુસભાઈ અમીનભાઇ દેસાઈને( રહે. ફતેહવાડી, અમદાવાદ) પુરી પાડી હતી. બાદમાં ઉક્ત ખાતા ધારક મહમદ શફી સૈયદને અમદાવાદ બોલાવી આરોપી આફતાબ આરીફભાઇ દસાડીયાએ ( રહે. તળાજા, જી.ભાવનગર) વી.આઇ.કેર પાલડી ખાતે લઇ જઇ બેંક ખાતામાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર બ્લેન્ક સીમકાર્ડમાં સીમ સ્વેપ કરી એકટીવ કરાવડાવી સમગ્ર ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલમાં ત્રણેય આરોપીઓની ઘનિષ્ઠ પુછતાછ કરવામાં આવી રહી છે.