નરોડામાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડ અને તેમની પત્ની ઉપર પડોસી આરોપીએ લાકડીથી હુમલો કરીને લોહી લુહાણ કર્યા હતા. પોલીસ તપાસમાં અઢી મહિના પહેલા વાહનની તોડફોડ મામલે તકરાર થઇ હતી જેની અદાવત રાખીને આ કૃત્ય કર્યું હતું. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડ ફિનાઇલ લેવા જતાં પથ્થર માર્યા બાદ પતિ અને પત્નીને જાહેરમાં લાકડીથી ઢોર માર માર્યો
નવા નરોડા રોડ ઉપર રહેતા અને સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોધાવી છે કે અઢી મહિના પહેલા વાહનની તોડફોડ મામલે તકરાર થઇ હતી જે અંગે જેતે સમયે પોલીસ ફરિયાદ કરી હતી જેની અદાવત રાખીને તકરાર કરી હતી.
આધેડ ગઇકાલે સવારે મકાન પાસે ફિનાઇલ લેવા માટે ગયા હતા જ્યાં આરોપી ત્યાં હાજર હતા તે સમયે તેણે આધેડને પથ્થર માર્યા હતો. આ સમયે બુમાબુમ થતાં તેમની પત્ની દોડી આવ્યા હતા આ સમયે આરોપીને લાકડીથી માર માર્યા બાદ છોડવવા વચ્ચે પડતાં તેમની પત્ની ઉપર પણ લાકડીથી હુમલો કરીને લોહી લુહાણ કર્યા હતા જેથી દંપતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.