ગાંધીનગરના પેથાપુર – અડાલજ પોલીસ મથકની હદમાં ત્રણ અલગ અલગ સ્થળોએ ચડ્ડી બનિયનધારી ગેંગ ત્રાટકી અંબાપુરના મકાનમાંથી 1.૩૦ લાખના મુદામાલની ચોરી કરી ફરાર
પોલીસતંત્ર પર ઉઠ્યા સવાલો, રાત્રે પોલીસ પેટ્રોલિંગ વધારવા લોકોની માંગ
ગાંધીનગરના આદરજ ગામમાં જવેલર્સની દુકાનમાં ચોરી ,પેથાપુરનાં સિદ્ધરાજ બંગલો, અડાલજનાં વૈષ્ણોદેવી મંદિર તેમજ અંબાપુરના મકાનમાં તસ્કરો ત્રાટકયા,
ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં પીડીપીયુ રોડ પર મોબાઈલની ચીલ ઝડપ જેવા બનાવો વધી રહ્યા છે.
ગાંધીનગરમાં ચડ્ડી બનિયનધારી ગેંગ રાત્રીના સમયે બિન્દાસ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપવા ફરી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગાંધીનગરના સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી દેવી મંદિરમાં ફરીવાર તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો એ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ ફરજ પરના સિક્યુરિટી ગાર્ડની સતર્કતાથી તસ્કરોને ઉભી પૂંછડીએ નાસી જવાની જવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.પેથાપુરનાં સિદ્ધરાજ બંગલોમાં પણ તસ્કરોએ ચોરીના ઈરાદે સોસાયટીમાં પ્રવેશ્યા હતા. જો કે વસાહતીઓ જાગી જતાં તસ્કરોને અહીંથી પણ ભાગવાનો વખત આવ્યો હતો. સોસાયટીમાં પ્રવેશેલા તસ્કરો પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે તપાસનો દોર હાથ ધર્યો છે. જ્યારે અંબાપુર ગામની સીમ બાલાજી ઉપવન ખાતેના એક બંધ મકાનને પણ તસ્કરો ટાર્ગેટ કર્યું છે.અંબાપુર ગામની સીમ બાલાજી ઉપવન મકાન નંબર – 3 માં રહેતા વિરેન દિપકકુમાર ત્રિવેદી સરકારી અનાજ સપ્લાયનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. 30 મી ઓગસ્ટની રાત્રે વિરેનભાઈ સહીતના ઘરના સભ્યો જમી પરવારીને સૂઇ ગયા હતા. સવારે તેમના માતા અંજનાબેન સાડા પાંચેક વાગે ઉઠયા હતા. ત્યારે રૂમના કબાટ ખુલ્લી હાલતમાં જોઈને ઉપરના માળે સુતેલા વિરેનભાઈને જગાડયા હતા. બાદમાં તેઓએ તપાસ કરતાં મકાનના મેઇન હોલનો સ્લાઇડરનો દરવાજો ખુલ્લો હતો. અને તેમના મમ્મી પપ્પા જે રૂમમાં સુતા હતા તે કબાટમાથી સોનાની જુની બુટી આશરે એક તોલા વજનની કિંમત રૂ. 70 હજાર તેમજ 60 હજાર રોકડા મળીને કુલ રૂ. 1 લાખ 30 હજારની ચોરી થયાનું માલુમ પડયું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.