ફાયર સેફ્ટીનું અનિવાર્ય એવું નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ જ નહીં હોવાથી નાયબ કાર્યપાલક ઇજનેરને નોટિસ ફટકારાઇ
પાટનગરમાં જ સરકારની દે ઠોક કામગીરી અને લોકોના જાન જોખમમાં મુકાય તેવી અપરાધિક બેદરકારીનું બેમિસાલ ઉદાહરણ અપાયું છે. ગત ૧૫મી ઓગસ્ટે લોકાર્પણ કરાયેલા ટાઉનહોલમાં ૧૫ દિવસમાં જ પડદા પડી ગયાં છે. કરોડોનાં આંધણ પછી ફાયર સેફ્ટીનું અનિવાર્ય એવું નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ નહીં લેવાયુ હોવાથી પાયોવિના નાયબ કાર્યપાલક ઇજનેરને મહાપાલિકાએ નોટિસ ફટકારી છે. સાથે અહીં કાર્યક્રમોના બુકિંગ બંધ કરાયાં છે.
ગાંધીનગર માત્ર કર્મચારીનગર ન રહે તેના માટે બંધાયેલો ટાઉનહોલ જાળવણીના અભાવે ખાડે ગયાં પછી જોખમી પણ બનતાં તેને બંધ કરાયો હતો. બાદમાં ત્રણ વર્ષ સુધી તેનું રિ ડેવલપમેન્ટ ચાલતું રહ્યુ હતું. કામ પૂર્ણ કરવા માટે બે મહિના અને છ મહિનાની અનેકવાર મુદતો પડયાં પછી ધારાસભ્ય સહિત આગેવાનોની સતત રજૂઆતોના પગલે આખરે જોતાવેંત પ્રસંસા કરવાનું મન થાય તે પ્રકારે મુળ ડિઝાઇનને જાળવી રાખીને નવીનીકરણ કરાયું તેમાં ૨૨ કરોડ ઉપરાંત ખર્ચ કરાયો હતો. ગત તારીખ ૧૫મી ઓગસ્ટે શૌર્યગાથા કાર્યક્રમ યોજવા સાથે તેનું લોકાર્પણ કરાયું હતું અને કાર્યક્રમોના આયોજન શરૃ કરી દેવાયા હતાં.
લોકાર્પના બે દિવસ પહેલા એનઓસી માંગી અને જરૃરી પૂર્તતા ન કરી
ટાઉનહોલમાં પાઇપ લાઇન આધારિત વ્યવસ્થા સાથે ફાયર એક્સ્ટિંગ્યુસર લોબીમાં મુકાયા છે. પરંતુ ઓડિટોરીયમ એટલે કે જ્યાં કાર્યક્રમો યોજાય છે અને પ્રેક્ષક, શ્રોતાઓ બેસે છે. તેવા મુખ્ય હોલમાં જ સ્પ્રીંક્લર સિસ્ટમ લગાવાઇ નથી. મહાપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસરે આપેલી નોટિસ મુજબ ટાઉન હોલ માટે તારીખ ૧૨મી ઓગસ્ટે એનઓસી મેળવવા અરજી કરાઇ હતી. પરંતુ અપૂરતી સુરક્ષા વ્યવસ્થાની પૂર્તતા કરવા જણાવાયા પછી આજ સુધી કરાઇ ન હતી. સુત્રોએ કહ્યું આ વ્યવસ્થા ગોઠવાયા બાદ જ ફાયર એનઓસી અપાશે.
આમ આદમીનું કોઇ મૂલ્ય નહીં સુરક્ષાની જવાબદારી આયોજકો માથે
સ્વતંત્રતા દિવસે લોકાર્પણ કરાયા બાદ અહીં વિવિધ કાર્યક્રમો યોજાતા રહ્યાં હતાં. જવાબદાર અધિકારીઓને ખબર હતી કે યોગ્ય ફાયર સેફ્ટીના અભાવમાં અહીં ફાયર એનઓસી આપવામાં આવ્યું નથી. છતાં સંસ્થાઓને ટાઉનહોલ આપવામાં આવ્યો હતો. તેમાં એવો રસ્તો કાઢવામાં આવ્યો હતો, કે કાર્યક્રમ યોજનાર આયોજકોએ હંગામી એનઓસી મેળવી લેવાનું રહેતું હતું. મતલબ કે આમ આદમીની જીંદગીનું કોઇ મૂલ્ય સરકારી તંત્ર દ્વારા ગણવામાં આવ્યુ ન હતું. જો કોઇ દુર્ઘટના બને તો તેની જવાબદારી આયોજકની રહેતી હતી.