ગાંધીનગર જિલ્લામાં ગેસ્ટ હાઉસની અંદર લોહીનો વેપાર વધી રહ્યો છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા મોટા ચિલોડા ખાતેના તુલસી ગેસ્ટ હાઉસમાં દરોડો પાડીને અહીં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને માલિક સહિત ત્રણ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં મસાજ પાર્લરની આડમાં દેહ વેપારનો ધંધો ફુલ્યો ફાલ્યો છે ત્યારે કેટલાક ગેસ્ટ હાઉસના માલિકો પણ બહારથી યુવતીઓ બોલાવીને તેમની પાસેથી વેપાર કરાવતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેના પગલે પોલીસ પણ આવા ધંધાઓ ઉપર કાર્યવાહી કરી રહી છે ત્યારે ગાંધીનગર નજીક આવેલા ચિલોડામાં પોલીસને બાતમી મળી હતી કે, અશ્વમેઘ કોમ્પલેક્ષમાં તુલસી ગેસ્ટ હાઉસમાં બહારથી રૃપલલના બોલાવીને દેહ વિક્રયનો વેપાર ચલાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે એક ડમી ગ્રાહકને ગેસ્ટ હાઉસમાં મોકલી આપ્યો હતો. જ્યાં કાઉન્ટર પર ભાવ તાલ નક્કી કરીને ડમી ગ્રાહક નક્કી થયા મુજબ એક રૃમમાં ગયો હતો. જ્યાં એક રૃપલલના સાથે ઔપચારિક વાતચીત કર્યા પછી ડમી ગ્રાહકે લીલીઝંડી આપતાં જ પોલીસ ગેસ્ટહાઉસમાં ઘુસી ગઈ હતી અને રૃપલલનાની પુછતાછ કરતા પોતે પશ્ચિમ બંગાળથી એક દોઢ મહિના પહેલા આવી હોવાની કબૂલાત કરી હતી. જેની પાસે ૫૦૦થી ૧૨૦૦ રૃપિયામાં લોહીનો વેપાર કરવામા આવતો હતો. જેનાં પગલે પોલીસે ગેસ્ટહાઉસના માલિક માનસિઘ ભવરસિઘ આસોલીયા રહે. રત્નાવાડા, તા. ડુંગરપુર, જીતેન્દ્ર રામદાસ વેરાગી રહે. નિહાલપુર પોસ્ટ. પુંજપુર, ડુંગરપુર તેમજ હેમેન્દ્ર હમીરસિંહ રાવ રહે. રતનાવાડા થાના દોવડા તા.ડુંગરપુર વિરુધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.
બંગાળી યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવાતો માલિક સહિત ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો