ખેડા જિલ્લામાં છેલ્લા 25, 26 અને 27 ઓગસ્ટના રોજ 15 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયા બાદ 28 ઓગસ્ટે પણ વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નડિયાદ શહેરમાં છેલ્લા 36 કલાકમાં વધુ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. અનરાધાર વરસેલા વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. બુધવારે મોડી સાંજ સુધી શહેરના મુખ્ય માર્ગો પરથી પાણી ઓસર્યા ન હોવાથી શહેરીજનોની મુશ્કેલી વધી છે.
વર્ષ 2005માં જિલ્લામાં 32 ઈંચ વરસાદ વરસતા નડિયાદ જળમગ્ન થયું હતું. ત્યારે નડિયાદને આર્મીને સોંપી દેવામાં આવ્યું હતું. ત્યારે ફરીથી મુશળધાર વરસાદ વરસતા શહેરીજનોમાં ચિંતા વ્યાપી છે. હાલમાં શહેર સહિત જિલ્લામાં જિલ્લા પ્રસાશન, એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ 48 કલાક બાદ પણ નડિયાદ શહેરમાં વરસાદી પાણી ન ઓસરતા પાલિકાની પ્રિ-મોન્સૂનની પોલ ઉઘડી છે. તેવામાં બંને શાકમાર્કેટોમાં પાણી ભરાયેલા હોવાથી વેપારીઓએ રસ્તા પર શાકભાજીની હાટડીઓ ખોલી હતી. નડિયાદ પાલિકા દ્વારા છેલ્લા ચાર વર્ષથી એસ. એન. વાણિયાને કાંસની સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ચાલુ વર્ષે પણ તેને રૂ. 32 લાખનો કાંસ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવતા નડિયાદમાં પાણી ઓસરતા ન હોવાના આક્ષેપ શહેરીજનોએ લગાવ્યા છે. જિલ્લા પ્રસાશન દ્વારા અત્યારસુધીમાં કુલ 531 લોકોનું રેસ્ક્યૂ અને 3667 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણ દિવસના ભારે વરસાદમાં એમજીવીસીએલના 3 વીજ સબ સ્ટેશનમાં પાણી ઘુસી ગયા હતા. ૧૪૪ ગામોમાં વીજ સપ્લાય બંધ થતાં 19182 જેટલા વીજધારકો વીજ પુરવઠાથી વંચિત રહ્યા હતા.
જેમાં 144 ગામો પૈકી અત્યારસુધીમાં ૧૨૫ ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરાયો છે. તેમજ કાંઠાગાળાના ગામોમાં જળભરાવ અને રસ્તાઓ બ્લોક થવાની સમસ્યાના કારણે 19 ગામોમાં વીજ પુરવઠો શરૂ થઈ શક્યો ન હોવાનું એમજીવીસીએલ તંત્રએ જણાવ્યું હતું. ઉપરાંત વીજ વિભાગના 186 પોલ, 12 ડીપી ડેમેજ થયા હતા. જિલ્લામાં ગ્રાહકોની 11150 જેટલી વ્યક્તિગત ફરીયાદો મળી હતી.