વડોદરામાં પૂરના પાણીએ એવી કપરી સ્થિતિ સર્જી છે કે, હોસ્પિટલોમાં પણ લાઈટો નથી, પાણી નથી અને દાખલ થયેલા દર્દીઓની સ્થિતિ દયાજનક બની છે.કેટલીક હોસ્પિટલોને તો દર્દીઓનુ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. કેટલીક હોસ્પિટલોમાં દૂધ, પાણી અને બીજી જરૂરી વસ્તુઓ પહોંચાડવા માટે સેવાભાવી યુવાનો આગળ આવી રહ્યા છે.
શહેરના જેતલપુર રોડ પર પહેલી વખત વિશ્વામિત્રીના પૂરના પાણી આવી ગયા છે અને આ વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ હોસ્પિટલોમાં લાઈટો નથી તેમજ પીવાના પાણીની તંગી છે. આ વિસ્તારની એક હોસ્પિટલને પાણી અને દૂધ પહોંચાડવા માટે સેવાભાવી યુવાનોને તરાપાનો ઉપયોગ કરવો પડ્યો હતો.
કારણકે હોસ્પિટલ સુધી પાણીના જગ અને દૂધ ઉંચકીને જવાય નહીં તેટલુ પાણી ભરાયું હતું. આ યુવાનોને પીવાનું પાણી અને દૂધ પહોંચાડવા માટે આખરે તરાપાનો સહારો લેવો પડ્યો હતો.