ઈન્ટેલિજન્ટ્સ ઈનપુટ અને સોશિયલ મીડિયાની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડયો
– પિતાને મળવા જવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે શખ્સ પહોંચે તે પહેલા પોલીસ સાદાવેશમાં ઉભી રહી ગઈ
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભરતનગર, માલધારી સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાન દર્વેશભાઈ મુનષીભાઈ નિશાદ (ઉં.વ.૨૦ )ને રીંગરોડ ઉપર પાણીપુરીની લારી બાજુ-બાજુમાં રાખવા બાબતે સોનુ નિશાદ નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. તેની અદાવત રાખી બુધવારે રાત્રિના સમયે દર્વેશભાઈ નિશાદ પોતાની પાણીપુરીની લારી લઈને શિવાજી સર્કલથી ગાયત્રીનગર જવાના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સોનુ નિશાદ નામના શખ્સે યુવાનને છાતી અને કાનના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. આ ઘટના અંગે મૃતકના કૌટુંબિક બનેવી દયાશંકર સેવાલાલ નિશાદ (ઉ.વ.૩૩)એ હત્યારા સોનુ બિરસીંગ નિશાદ સામે ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કરી એલસીબી, એસઓજી અને ભરતનગર પોલીસની અલગ-અલગ ટીમો બનાવી નાસી છુટેલા શખ્સને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.
દરમિયાનમાં સામાન્ય ઝઘડામાં ખૂની ખેલ ખેલનારો શખ્સ અમદાવાદ તરફ ભાગી ગયો હોય અને ત્યાં પિતાને મળી તેની મદદગારીથી પોતાના વતન યુ.પી. ભાગવાની ફિરાકમાં હોવાનું ઈન્ટેલિજન્ટ્સ ઈનપુટ મળતા તપાસનીસ અધિકારી પીઆઈ આર.એમ. ઠાકોરના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ટીમ અમદાવાદ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈ બિરસીંગ નિશાદની સાથે સાદાવેશમાં ઉભી રહી ગઈ હતી. આ સમયે હત્યારો સોનુ નિશાદ તેના પિતાને ફોન કરી મળતા આવતા પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલી પોલીસે શખ્સને દબોચી લીધો હતો. આમ, ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી ભાવનગર લઈ આવી મેડીકલ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. વધુમાં શખ્સને ઝડપી લેવા ભરતનગર પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજીની ટીમો પણ બનાવવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, હત્યારા શખ્સની ઓળખ માટે પોલીસે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો હતો. તેના ઈન્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટમાંથી શખ્સનો તાજેતરનો ફોટો મેળવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ પહોંચી પોલીસે શખ્સને ગણતરીની કલાકોમાં પકડી પાડયો હતો.
ઉજ્જૈનના કુખ્યાત ગેંગસ્ટરથી શખ્સ પ્રભાવિત હતો
મધ્યપ્રદેશના ઉજ્જૈનના ૨૦ વર્ષીય કુખ્યાત ગેંગસ્ટર દુર્લભ કશ્ય૫થી પણ હત્યારો સોનુ નિશાદ પ્રભાવિત હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જેથી પોલીસે શખ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરી છે. નોંધનિય છે કે, ગેંગસ્ટર દુર્લભ કશ્યપના મોત બાદ પણ સોશિયલ મીડિયામાં આજે પણ તે જીવતો હોય તેમ તેના ફેન ફોલોઈંગની સંખ્યા ઘણી મોટી છે. જે સાંપ્રત સમાજ અને માતા-પિતા માટે ચિંતાજનક બાબત છે.