ગાંધીનગર ગિફ્ટ સીટીની ઘટના બાદ હવે, નબીરાઓએ એસ જી હાઇવેને બાનમાં લીધો
સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થયા બાદ શહેર ટ્રાફિક પોલીસે નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી
ગાંધીનગરમાં થોડા દિવસ પહેલા કેટલાંક યુવાનો દ્વારા ગીફ્ટ સીટી પાસેના રસ્તા પાસે લક્ઝરી ગાડીઓમાં સ્ટંટ કર્યાનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. આ બનાવ બાદ વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એસ જી હાઇવે પર નબીરાઓએ ૧૦ જેટલી ગાડીઓને કોન્વોયની માફક ચલાવીને રસ્તો અન્ય વાહનચાલકો માટે બ્લોક કરી દીધો હતો. સૌથી નવાઇની વાત એ છે કે નબીરાઓ જ્યારે રસ્તા પર કાફલો કાઢતા હતા ત્યારે અનેક ટ્રાફિક પોઇન્ટ પરથી પસાર થયા હતા. તેમ છતાંય, પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી અને હવે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એક્શન મોડમાં આવી છે.સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં ૧૦ જેટલા નબીરાઓ એસ જી હાઇવે પર લક્ઝરી કારનો કાફલો પસાર કરીને રસ્તો રીતસરનો બ્લોક કર્યો હતો. જે વિડીયો વાયરલ થવાની સાથે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જો કે આ વિડીયોમાં એસ જી હાઇવે પર ટલાંક પોઇન્ટ પર પોલીસ પણ જોવા મળે છે. પરંતુ, તેમના દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ અંગે કારની નંબર પ્લેટના આધારે કેટલાંક લોકોની ઓળખ કરવામાં આવી છે.
પરંતુ, હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ શકી નથી. ઉલ્લેખનીય છે કે સિંધુ ભવન રોડ પર નિયમિત રીતે ઓવર સ્પીડ વાહન ચલાવવાના કિસ્સા સામે આવે છે. તેમ છતાંય, મોટાભાગના કિસ્સામાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આ વાયરલ વિડીયો મામલે પોલીસ આકરી કાર્યવાહી કરે છે કે નહી? તેને લઇને ચર્ચા જોવા મળી રહી છે.