ગાંધીનગર શહેરના સેક્ટર ૩૦ પાસે સાબરમતી નદીમાં યુવાનનો મૃતદેહ તરતો હોવાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામાં આવતા સ્થળ ઉપર પહોંચીને નદીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જે બોરીજ ગામના યુવાનનો હોવાનું બહાર આવતા પોલીસે તપાસ શરૃ કરી છે.
ગાંધીનગરના સંત સરોવરમાં પાણી ભરાવાને કારણે સેક્ટર ૩૦ પાસે સાબરમતી નદીમાં પણ નદી બે કાંઠે જોવા મળી છે. જોકે અહીં નદીમાં ઉતરવાની સાથે ડૂબવાની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદનો પરિવાર દશામાની મૂત પધરાવવા માટે આવ્યા હતા તે દરમિયાન ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા ત્યારે આજે સવારના સમયે સેક્ટર ૩૦ સ્મશાન પાસે સાબરમતી નદીમાં એક યુવાનનો મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોએ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આ યુવાનના મૃતદેને બહાર કાઢયો હતો જોકે આ સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા યુવાન બોરીજ ગામમાં રહેતો રોહિત સોમાભાઈ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે અકસ્માત મોત દાખલ કરીને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
ગાંધીનગરના સેક્ટર-૩૦ પાસે મૃતદેહ તરતો હોવાની જાણ થતા ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા બહાર કઢાયો : સેક્ટર-૨૧ પોલીસે તપાસ આદરી