Breaking
Sun. Sep 15th, 2024

મૂંગા જાનવરને મારવા બાબતે ટોકતા વિધર્મીઓએ પટ્ટા વડે હોસ્ટેલની બે વિદ્યાર્થીનીઓને માર માર્યો : ગેરકાયદે લારી-ગલ્લા હટાવવા માંગ

Spread the love

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મોડી રાત્રે ધમધમતી ચાની લારી પર વિધર્મીઓ દ્વારા મૂંગા પ્રાણીને મારવામાં આવતા હોવા મામલે ટોકતા હોસ્ટેલમાં ભણતી બે વિદ્યાર્થીનીઓ પર પટ્ટા વડે હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાત સુધી ગેરકાયદેસર રીતે ધમધમતી ચાની લારીઓ તથા સમગ્ર મામલે પાલિકા અને પોલીસ તંત્રમાં કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી રહી છે.મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે પ્રચલિત શહેરના ફતેગંજ વિસ્તારમાં મોડીરાત સુધી ધમધમતી ખાણીપીણી, ચાની અને પાન પડીકીની લારીઓ પર અનેક પ્રકારનું દુષણ પ્રવર્તી રહ્યું છે. અવાર-નવાર ફતેગંજ વિસ્તારમાં છેડતી અને મારામારી જેવી ઘટનાઓ છાશવારે બનતી હોવા છતાં સયાજીગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા સમગ્ર વિસ્તારમાં યોગ્ય તકેદારી નહીં લેવામાં આવતી હોવાની બૂમો ઊઠી રહી છે.

સમગ્ર વિસ્તાર યુનિવર્સિટીની આસપાસનો હોવાથી ખાસ કરીને અહીં યુવાઓ અને વિદ્યાર્થીઓની વધુ ચહલપહલ વધુ જોવા મળતી હોય છે. ત્યારે પોલીસ તંત્રએ અહીં વિશેષ તકેદારી લેવી યુવાનો માટે તથા અહીં રહેતા સ્થાનિક લોકો માટે જરૂરી છે. ફતેગંજમાં રાત્રિના બે વાગ્યા સુધી કેટલીક લારીઓ અને રેસ્ટોરન્ટ ધમધમતી હોય છે. અહીં રેસ્ટોરન્ટની બહાર આડેધડ થતા પાર્કિંગના કારણે પણ અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા જોવા મળતી હોય છે. પરંતુ ટ્રાફિક પોલીસ અને પાલિકા તંત્ર તે દબાણ દૂર કરવાની તસ્દી લઈ રહ્યું નથી. આ વચ્ચે ફતેગંજ વિસ્તારમાં વધુ એકવાર દુષણસમો બનાવ ચર્ચાઈ રહ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે, બે દિવસ અગાઉ ફતેગંજ વિસ્તારમાં એક ચાની લારી પાસે હોસ્ટેલમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ ચા પીવા ઉભી હતી. ત્યારે કેટલાક અસામાજિક તત્વોના ટોળા પણ અહીં જોવા મળ્યા હતા.

દરમિયાન અહીં ઉભેલા કેટલાક વિધર્મીઓએ શ્વાનને મારતા હતા. જેથી હોસ્ટેલમાં રહી કોલેજમાં અભ્યાસ કરતી 19થી 20 વર્ષીય બે વિદ્યાર્થીનીઓએ તેનો વિરોધ કર્યો હતો અને મૂંગા જનાવરને ન મારવા બાબતે તેઓને ટોક્યા હતા. જેથી આ વિધર્મીઓના ટોળા પૈકી કેટલાક યુવાનોએ બંને કોલેજીયન યુવતીઓને પટ્ટા વડે ફટકારી હતી. જે બાદ યુવતીઓ બુમાબુમ કરી અને ગભરાઈને ત્યાંથી પલાયન થઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીઓએ આ અંગે એના વાલીઓને પણ જાણ કરી હતી. પરંતુ તેઓએ વધુ કોઈ કાર્યવાહી ન કરવાનું જણાવ્યું હોવાથી યુવતીઓ પોલીસ ફરિયાદ કરી રહી નથી.પોલીસે બનાવની ગંભીરતા સમજી પોતે ફરિયાદી બની અથવા અન્ય તકેદારીરૂપે આવા માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવી જ રહી. જો પોલીસ તંત્ર તેઓ સામે ઢીલાશ વર્તશે તો આવા લુખ્ખા તત્વોની હિમત વધુ ખુલશે અને ભવિષ્યમાં હજુ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની સ્થિતિનું નિર્માણ થાય એ બાબત નકારી શકાતી નથી.

સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થી અગ્રણી રહી ચૂકેલા વિકાસ દુબેની આગેવાનીમાં આજે પાલિકા તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે અને ફતેગંજમાં મોડી રાત સુધી ઉભી રહેતી ગેરકાયદેસર લારીઓ બંધ કરાવવાની માંગણી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, મેયર પિન્કીબેન સોની તથા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી સમક્ષ કરવામાં આવી છે. આવતીકાલે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવનાર છે. હવે જોઈએ કે આ મામલે પોલીસ તંત્ર અને પાલિકાનું તંત્ર શું કાર્યવાહી કરે છે?

 

By admin

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *