બનાસકાંઠાના ભાભરમાં ઘોર કળિયુગનો પુરાવો આપતો કિસ્સો સામે આવ્યો છે. ભાભરમાં કામ અર્થે બહાર નીકળેલા સાધ્વીની બે શખસે છેડતી કરી હતી. જો કે સાધ્વીઓએ બૂમાબૂમ કરતાં બંને શખસ નાસી ગયા હતા. જૈન સાધ્વીની છેડતીના બનાવથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
સામાન્ય રીતે શહેરોમાં અને ગામડાંઓમાં નાના મોટા છેડતીના બનાવો અવારનવાર બનતા હોય છે. પરંતુ આજે બનાસકાંઠાના ભાભરમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં બે શખસ દ્વારા જૈન સાધ્વીની છેડતી કરવામાં આવી હતી. બે અજાણ્યા શખસોએ જૈન સાધ્વી સાથે અસભ્ય વર્તન કર્યું હતું. જેથી જૈન સાધ્વીએ બૂમાબૂમ કરતાં બંને શખસ ભાગી ગયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જૈન સમાજ અને અન્ય સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતાં છેડતી કરનાર શખસોની શોધખોળ શરુ કરી દીધી છે. તો બીજી તરફ બનાસકાંઠાના કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે પણ આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે હવે ધર્મ પણ સુરક્ષિત નથી. પોલીસ આરોપીઓને જલદી પકડી પાડે અને જેલ હવાલે કરે.