ખેડાના કલોલી ગામનો રસ્તો બિસ્માર બનતા ૧૦૮ એમ્બ્યૂલન્સ આવી શકતી નથી કે વિદ્યાર્થીઓ શાળાએ પણ જઈ શકતા નથી. જેથી રોષે ભરાયેલી ૫૦ જેટલી મહિલાઓ તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરવા ધસી ગઈ હતી.
ખેડા તાલુકાના કલોલી ગામથી નાની કલોલી જવાનો રસ્તો ખુબજ બિસ્માર છે. ચોમાસા દરમ્યાન તો ભારે માટી- કીચડથી ખૂબ તકલીફ પડે છે. જેનાથી ત્રસ્ત ગામની લગભગ ૫૦ જેટલી મહિલાઓએ ખેડા તાલુકા પંચાયત ખાતે આવી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી હતી. આ બાબતે અધિકારીએ રજુઆત રોડ ખાતા સબંધિત હોવાથી તે અરજી માતર આવેલી રોડ ખાતા વિભાગમાં મોકલી આપવાની વાત કરી હતી. ત્યારે હાજર મહિલાઓએ જણાવ્યું હતું કે, આવા રસ્તાના કારણે સાજા માદા પ્રસંગે ૧૦૮ એમ્યુલન્સ પણ ગામમાં આવતી નથી. ઉપરાંત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે મોટી કલોલી જઈ શકતા નથી. ખેડા તાલુકાનું આ ગામ મહેમદાવાદ વિધાનસભામાં આવતું હોવાથી વિકાસ બાબતે અમે અન્યાયની લાગણી અનુભવી રહ્યા છીએ.
દર્દીઓ સારવાર અને વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત , ખેડા તાલુકા પંચાયતના ટીડીઓએ માતર રોડ ખાતા વિભાગમાં રજૂઆત કરવા જણાવ્યું