પાલિતાણા રૂરલ, એલસીબી, રાણપુર અને ધોલેરા પોલીસના દરોડા
પોલીસે રોકડ રકમ, ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
ભાવનગર : ભાવનગર અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પોલીસે અલગ-અલગ દરોડા પાડી શ્રાવણિયો જુગાર ખેલતા ૧૭ પત્તાપ્રેમીને રોકડ, ગંજીપાના સાથે ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સ ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ધોલેરામાં સરદાર હાઉસ રાજુ ધીરૂભાઈ ખોખાણીના મકાન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા રાજુ ધીરૂભાઈ ખોખાણી, દિનેશ બાબુભાઈ પરમાર, મુકેશ જાદવભાઈ સોલંકી, સાગર સુરેશભાઈ સોલંકી અને સાગર રાજુભાઈ મકવાણા નામના શખ્સોને ધોલેરા પોલીસે દબોચી લીધા હતા. બીજા દરોડામાં ભાવનગર એલસીબીએ શહેરના મોખડાજી સર્કલ પાસે આવેલ અમિત કોમ્પ્લેક્ષની પાર્કિંગની દિવાલ પાસે જુગાર રમતા ચિરાગ કિશોરભાઈ બાંભણિયા, ત્વિક ઉર્ફે ભોલું સુરેશભાઈ સોલંકી, બીજલ ઉર્ફે બીલો એભલભાઈ શિયાળ, કિશન અશોકભાઈ ચૌહાણ નામના શખ્સોને રોકડા સાથે ઝડપી લીધા હતા. ત્રીજા બનાવમાં પાલિતાણા રૂરલ પોલીસે નવઘણવદરના પાદરમાંથી રાજુ લખમણભાઈ રાઠોડ, અરવિંદ રામજીભાઈ રાઠોડ અને કિશોર વાલજીભાઈ પરમાર નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે અલ્પેશ ઉર્ફ અપો જેરામભાઈ જોળિયા અને સજાદ ઉર્ફે ગજરો મહમદભાઇ લાકડા નામના બે જુગારી નાસી છૂટયા હતા.
ચોથા દરોડામાં રાણપુર તાલુકાના ખસ ગામે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટલાઈટના અજવાળે ચક્કી ફુદીનો જુગાર રમતા વિક્રમસિંહ ભગુભાઈ ચાવડા, નંદલાલ પથાભાઈ મેર, અજીત જેસીંગભાઈ મકવાણા, ભરતસિંહ ભગુભા ચાવડા, મોહિત બાબુભાઈ કુસવાર નામના શખ્સોને રોકડ, ગંજીપાના સાથે ઝબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.