અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની બીમાર દીકરીના સારા સ્વાસ્થ્ય માટે બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હતું. બીજી તરફ, એકલી પડી દીકરીની માતાએ એકલતા દૂર કરવા માટે સોશિયલ મીડિયા (ફેસબુક) મારફતે બે શખ્સોના પ્રેમઝાળમાં ફસાઈ જતાં બ્લેકમેલિંગનો ભોગ બની હતી. આ પછી મહિલા ફરી વખત પ્રેમમાં પડતાં તેની માતાને અભયમની મદદ લીધી હતી.
પતિ બ્રહ્મચર્યનું પાલન કરતાં પત્નીએ એકલતા દૂર કરવા સોશિયલ મીડિયામાં મિત્રો બનાવ્યાં
નરોડા વિસ્તારમાં રહેતાં 36 વર્ષીય મહિલાની સાત વર્ષની દીકરી એક વર્ષથી બીમાર છે. જેથી મહિલાના પતિએ દીકરીની દવા કરવાની સાથે તેના સારા સ્વાસ્થ્ય માટે ભક્તિ તરફ વળી બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યા હતા, ત્યારે પતિ પૂરતો સમય આપી ન શકતાં હોવાથી મહિલા ડિપ્રેશનનો શિકાર બની હતી. આ દરમિયાન મનોચિકિત્સક પાસે દવા ચાલતી હોવા છતાં મહિલા પોતાનું એકલતાપણું દૂર કરવા માટે છ મહિનાથી ફેસબૂક મારફતે અજાણ્યા લોકો સાથે મિત્રતા કરી બે શખ્સોના પ્રેમમાં પડી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં બનેલા બંને પ્રેમીએ મહિલાને બ્લેકમેઈલ કરીને ચારેક લાખ રૂપિયા પડાવી લીધાં હતા.
મહિલાના માતાએ અભયમ ટીમનો સહારો લીધો
આ ઘટના પછી, મહિલા ફરી દસેક દિવસથી એક રિક્ષા ચાલકના પ્રેમમાં પડતા મહિલાની માતાએ અભયમની મદદ લીધી હતી. જેમાં શરૂઆતમાં મહિલાએ માતા ખોટું બોલે છે તેવા આક્ષેપો કર્યા હતાં. જો કે, અભયમ ટીમે કાઉન્સેલિંગ કરતાં મહિલાએ પોતે એકલા મૂંઝાતી હોવાથી મિત્રો બનાવ્યાં હોવાનું જણાવી પોતાની ભૂલ સ્વીકારી હતી. આ પછી ટીમે યોગ્ય માર્ગદર્શન આપી મહિલાને સમજાવીને ખોટા માર્ગે ન જવા અટકાવી હતી.