મકાનના દાદર નીચે પીવીસી દરવાજાની અંદર દારૃ સંતાડી રાખ્યો હતો
વાઘોડિયા રોડ મધુ પાર્ક સોસાયટીમાં વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાછળ આર્યભટ્ટ સરકારી સ્કૂલની સામે મધુ પાર્કમાં સોસાયટીમાં રહેતો વિશાલ ત્રિભુવનભાઇ પટેલે પોતાના ઘરે વિદેશી દારૃનો જથ્થો સંતાડી રાખ્યો છે અને તેનું વેચાણ કરે છે. જેથી, પી.આઇ. એચ.એમ.વ્યાસની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા વિશાલ પટેલ મળી આવ્યો હતો. તેના ઘરમાં તપાસ કરતા દાદર નીચે વાસણ ધોવાની ચોકડીમાં પીવીસી દરવાજાની નીચે સંતાડી રાખેલો વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૃની ૩૧૫ બોટલ કિંમત રૃપિયા ૪૨,૫૨૫ ની કબજે કરી હતી. આરોપી દારૃ ક્યાંથી લાવ્યો ? કેટલા સમયથી ધંધો કરતો હતો ? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.