કપડવંજ ખાતે નવદીપ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતી માનાભાઇ માયાવંશી અને કંકુબેન માનાભાઈએ સવારે ૧૧ વાગ્યે રીક્ષામાં બેસી ઘરેથી ગ્રામિણ વિકાસ બેંકમાં જઈને ૫૦,૦૦૦ ઉપાડયા હતા. ત્યારબાદ ગાંધી બાવલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી બીજા ૫૦,૦૦૦ ઉપાડયા હતા. બાદમાં વૃદ્ધે પત્નીને રૂપિયા ભરેલી થેલી આપી એસબીઆઇ બેંકના એટીએમમાં પાસબુક ભરાવીને બેંકની નજીક રીક્ષામાં મેડિકલ સ્ટોર્સમાં દવા ખરીદતી વખતે પત્નીને અચાનક તેમની થેલીમાં વજન ઓછું થયાનું જણાયું હતું. ત્યારે થેલી જોતા તેના ઉપર બ્લેડ વડે ચીરો માર્યો હોવાનું માલુમ પડયું હતું. અને થેલીમાંથી તમામ રોકડ ગાયબ હતી. જેની જાણ દીકરા અશોકભાઈને કરાતા પોલીસને બોલાવી બેંકના સીસીટીવી ફુટેજમાં તપાસાયા હતા. જ્યારે બેંક કંમ્પાઉન્ડની બહાર ગાંધીજીની પ્રતિમા નજીક ગોઠવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે અશોકભાઈએ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ આપી હોવાનું માલુમ પડયું છે. કપડવંજ શહેરમાં લૂંટ, ચોરી કે ગુનાહીત પ્રવૃત્તિને ડામવા અને નાગરિકોની સુરક્ષા માટે વર્ષ અગાઉ જ ૧૦ લાખના ખર્ચે લગાવેલા સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. જે ગુનાહીત પ્રવૃત્તિ વખતે બંધ જણાતા તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
કપડવંજમાં બેંકમાંથી રૂપિયા ઉપાડી નીકળેલા
પોલીસે બેંકના સીસીટીવી તપાસ્યા : શહેરના સીસીટીવી બંધ હોવાનું ખૂલતા સુરક્ષા સામે સવાલો