બોપલ ઓવરબ્રીજ પાસે અકસ્માતની ઘટના બાદ પોલીસ અધિકારીઓ એક્શનમાં
પ્રાથમિક અહેવાલમાં ગુજરાત રૂટ પર ગાડીઓમાં નિયમિત રીતે લાખો રૂપિયાનો વિદેશી દારૂ સપ્લાય થયાનુ ખુલ્યું
શહેરના સરદાર પટેલ રીંગ રોડ પર થોડા દિવસ પહેલા ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે થયેલા અકસ્માતને લઇને વાયા અમદાવાદ થઇને ચરોતર અને સૌરાષ્ટ્રના રૂટ પર દારૂ સપ્લાયનું મોટું રેકેટ સામે આવ્યું હતું. જેમાં દારૂ સપ્લાયની રાજસ્થાનથી ગુજરાત સુધી સંકળાયેલી કેટલીંક કડીઓની તપાસને લઇને રાજ્યના ગૃહવિભાગે ગંભીર નોંધ લીધી છે. જે અનુસંધાનમાં તપાસ કરવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બોપલ એસ પી રીંગ રોડ પર થોડા દિવસ પહેલા શીલજ સર્કલ તરફથી ૨૧૦ કિલોમીટરની ગતિમાં આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે થાર કારને ટક્કર મારી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.તપાસમાં ફોર્ચ્યુનર કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સમગ્ર કેસમાં એવી ચર્ચા જોવા મળી હતી કે કોઇ એજન્સીના માણસોની કાર ફોર્ચ્યુનરનો પીછો કરતી હોવાને કારણે ગતિ વધારે હતી . જેના પરિણામે અકસ્માત સર્જાયો હતો. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે રીંગ રોડ પરના પોલીસના ચેક પોઇન્ટ પર જ્યારે કારને શંકાને આધારે રોકવાની સુચના આપવામાં આવે તે ત્યારે તેના ચાલક ગતિ વધારીને નાસી જતા હોય છેે. આ અકસ્માત પહેલા પીસીબીની ટીમ દ્વારા આ રૂટ પર અલગ અલગ સમયે દારૂ ભરેલી ત્રણ કાર જપ્ત કરી હતી. આ ઉપરાંત, એસએમસી દ્વારા પણ રાજસ્થાનથી ગુજરાતના રૂટ પર કારમા દારૂ સપ્લાયના અનેક કેસ કરાયા હતા. આ તમામ બાબતને ગંભીરતાથી લઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાજસ્થાનથી ગુજરાત વચ્ચે ગાડીઓમાં દારૂ સપ્લાયની તમામ કડીઓ તપાસવા માટે આદેશ આપ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ચરોતરના રૂટ પર જવા માટે એસ પી રીંગ રોડનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આ રૂટ પર પ્રતિદિન લાખો રૂપિયાનો વિદેશી દારૂની સપ્લાય કરતા વાહનોની તમામ વિગતો એકઠી કરવાની સાથે સ્થાનિક પોલીસ સાથેની મીલિભગતને તપાસવા માટે સુચના આપવામાં આવી છે.