ગાંધીનગર શહેર નજીક ચિલોડા હાઇવે ઉપર સાબરમતીના બ્રિજ ઉપરથી ગઈકાલે રાતના સમયે પેથાપુરના યુવાને છલાંગ લગાવી દીધી હતી. ફાયર બ્રિગેડે શોધખોળ કર્યા બાદ આજે સવારે આ યુવાનનો મૃતદેહ નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. જે સંદર્ભે ચિલોડા પોલીસે અકસ્માતે મોત દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણ ગાંધીનગર શહેર નજીક સેક્ટર ૩૦ સર્કલથી ચિલોડા જવાના માર્ગ ઉપર સાબરમતી નદી ઉપર બનેલા બ્રિજ ઉપરથી ગઈકાલે રાતના સમયે એક યુવાને છલાંગ લગાવી દીધી હતી. જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોએ આ દ્રશ્ય જોયા હતા અને તુરંત જ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી પરંતુ નદીમાં તપાસ કરવા છતાં આ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાનમાં આજે સવારે ફરીથી ફાયર બ્રિગેડ દ્વારા અહીં તપાસ શરૃ કરવામાં આવી હતી અને સવારના સમયે આ યુવાનનો મૃતદેહ નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. ચિલોડા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ કરતાં આ યુવાન પેથાપુરમાં ગજનાદ સોસાયટીમાં રહેતો નિર્મલસિંહ ભરતસિંહ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું. જોકે યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા માટે પોલીસ દ્વારા પણ તપાસ શરૃ કરવામાં આવી છે હાલ તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગાંધીનગર સિવિલ મોકલીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.