જિલ્લાના દહેગામ નગરપાલિકાના મહિલા પ્રમુખને છેલ્લા ૨૦ દિવસથી અજાણ્યા નંબર ઉપરથી ફોન કરીને એક યુવાન દ્વારા વરંડો અને ઉકરડા હટાવવા માટે ધમકી આપવામાં આવતી હતી. છેવટે કંટાળીને મહિલા પ્રમુખે દહેગામ પોલીસ મથકમાં આ યુવાન સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને યુવાનની ધરપકડ માટે મથામણ શરૃ કરી છે.દહેગામ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન ભરતભાઈ સોલંકીને છેલ્લા ૨૦ દિવસથી ફોન કરીને ધમકી આપનાર યુવાન સામે આખરે દહેગામ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમણે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પાલિકા હસ્તકના પીવાના પાણીના બોરની ફરતે આરસીસીની દિવાલ બનાવવામાં આવી છે ત્યારે તેમના ફોન ઉપર બેન આ દબાણ છે તે ધ્યાનમાં આવતું નથી તેવું લખાણ લખેલો મેસેજ આવ્યો હતો અને ટ્ કોલરમાં નામ જોતા ગોવિંદભાઈ રબારી નામ આવ્યું હતું. ત્યારબાદ મિટિંગમાં જવાનું હોવાથી તે નીકળી ગયા હતા. આ દરમિયાન સાંજના સમયે ફરીથી આ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને ફોન કરનાર યુવાને કહ્યું હતું કે ચેતના હોટલની સામે દબાણ છે તે કેમ નથી હટાવતા, તે લાખો રૃપિયાનો રોડ બનાવેલ છે તે તમને દેખાતું નથી. સરકારના રૃપિયા કેમ બગાડો છો ? તારાથી કામ ના થતું હોય તો રાજીનામું આપી દે અને હોદ્દો છોડી દે, લેખિતમાં લખીને આપી દે કે મારાથી કામ નહીં થઈ શકે તું રાજીનામે આપી દેને બીજા પ્રમુખને બેસાડી દઈએ તેમ કહી ધમકી આપી હતી. છેલ્લા ૨૦ દિવસથી ફોન કરી ગોવિંદભાઈ હેરાન કરતા હતા અને આજે પણ તેમને ફોન કરીને કહ્યું હતું કે તે વરંડો કેમ બનાવી લીધો છે, તું નવાઈની પ્રમુખ બની ગઈ છે. તું સત્તામાં શું એટલે તું કોઈનું સાંભળતી નથી. પાલિકાની ટીમ ઉકરડા હટાવવા ગઇ ત્યારે પણ જાતિ વિષયક શબ્દો બોલીને અપમાનિત કરવામાં આવ્યા હતા ત્યારે આખરે કંટાળીને મહિલા પ્રમુખે ગોવિંદ કનુભાઈ રબારી સામે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. હાલ તો આ ઘટનાને પગલે દહેગામમાં રાજકીય માહોલ ગરમાયો છે.
છેલ્લા ૨૦ દિવસથી યુવાન ફોન કરીને હેરાન કરતો
દિવાલ અને ઉકરડો હટાવવા માગણી કરી જાતિ વિષયક અપશબ્દો પણ બોલ્યા : દહેગામ પોલીસે ગુનો દાખલ કર્યો