વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરી માતા બનાવનાર બે હવસખોર યુવાનોની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ સગીરાના બાળકના પિતા નક્કી કરવા માટે પોલીસે બંને હવસખોરોના બ્લડ સેમ્પલ અને સ્પર્મના નમૂના લીધા હતા અને તે નમૂના તપાસ માટે સુરત FSLમાં મોકલી આપ્યા છે. સંભવતઃ આગામી 15 દિવસમાં સગીરાના બાળકના પિતા નક્કી થઇ જાય એવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી
સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવનાર ડભોઇની માતા બનેલી સગીરા પ્રકરણમાં સગીરાની માતાની ફરિયાદના આધારે બાણેજ ગામના વિશાલ વિનોદભાઇ વસાવા અને કરણ કમલેશભાઇ વસાવા સામે ડભોઇ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. બે હવસખોરો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે મોડી રાત્રે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બ્લડ અને સ્પર્મના નમૂના લેવાયા
આ દરમિયાન આજે સગીરાને માતા બનાવવાનાર વિશાલ વસાવા અને કરણ વસાવાને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને તેઓના બ્લડ સેમ્પલ અને સ્પર્મના નમૂના DNA ટેસ્ટ કરાવવા માટે લેવામાં આવ્યા હતા અને આ નમૂના સુરત FSLમાં તપાસ માટે મોકલી આપવા ટીમને રવાના કરી દેવામાં આવી હતી. સગીરા અને તેના નવજાત બાળકના બ્લડ સેમ્પલ અગાઉ DNA માટે મોકલી આપવામાં આવ્યા છે. સંભવતઃ આગામી એક અઠવાડિયાથી 15 દિવસ દરમિયાન DNA રિપોર્ટ આવ્યા બાદ માતા બનેલી સગીરાના પુત્રના પિતા નક્કી થશે. પિતા નક્કી થયા બાદ તેની સામે વધુ કલમોનો ઉમેરો કરવામાં આવશે.
પરિવારના માથે મુશ્કેલી ઊભી થઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકને જન્મ આપી ત્યજી દેનાર સગીરા માતા અને તેના 2 કિલો વજનના નવજાત બાળકને રજા આપી દેવામાં આવી છે. પરિવારમાં સગીરાની એકલી માતા જ છે. પરિવારમાં બે સભ્યોના બદલે ત્રણ સભ્યો થયા છે. મહેનતકશ પરિવારમાં બનેલી ઘટનાએ પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.
ICUWએ તપાસ શરૂ કરી
સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે ડભોઇ પોલીસ મથકના પી.આઇ. શૈલેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, તા. 31 જુલાઇની સવારે તાલુકાના એક ગામની સીમમાં સગીરાએ 2 કિલો વજનના તંદુરસ્ત નવજાત બાળકને જન્મ આપી, ઝાડી-ઝાંખરામાં ત્યજી દીધું હતું. કાંટાળા ઝાંખરામાં ત્યજી દેવાયેલા બાળકની જાણ પોલીસને થતાં તુરંતજ 108 એમ્બ્યુલન્સમા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું. તે બાદ બાળકની માતાની ઓળખ થતાં અને તેની તબિયત પણ ખરાબ હોવાથી બાળક સાથે સારવાર આપવામાં આવી રહી છે. હવે આ બનાવની વધુ તપાસ ICUWના પી.આઇ. આર. એન. રાઠવા કરી રહ્યા છે.
ડિલીવરી કોણે કરાવી?
બીજી બાજુ સગીરાની ડિલિવરી કુદરતી રીતે થઇ છે કે પછી કોઇ આયા દ્વારા કરાવવામાં આવી છે. તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સગીરા ગર્ભવતી હતી ત્યારે ગામમાં જ પરિવાર સાથે હતી? કે પછી અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવી હતી? સગીરા ગર્ભવતી હતી ત્યારે તેણે હવસનો શિકાર બનાવનાર યુવાનોએ સગીરા અને તેના પરિવારને ધમકીઓ આપી હતી? આ તમામ દિશામાં ડભોઇ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની તપાસ ICUW ના પી.આઇ. આર. એન. રાઠવા અને ડભોઇ પોલીસ મથકના પી.આઇ. શૈલેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એલ. એચ. ગોહિલ પણ કરી રહ્યા છે.