ગાંધીનગર શહેર નજીક અડાલજ પંથકના ગામમાં રહેતી અને ગાંધીનગરની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને બાઈક ઉપર પોતાનું ખેતર બતાવવા માટે લઈ જઈને યુવાન દ્વારા રાત્રીના સમયે તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે સંદર્ભે અડાલજ પોલીસે યુવાન સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
અડાલજ પંથકના ગામમાં રહેતી યુવતી ગાંધીનગરમાં કોલેજનો અભ્યાસ કરી રહી છે ત્યારે તેણીનો સંપર્ક ગામમાં રહેતા યુવાન સાથે થયો હતો અને અવારનવાર તે તેને મળવા માટે ગાંધીનગર પણ આવતો હતો. આ દરમિયાન ગત શુક્રવારના રોજ આ યુવાન બાઇક લઈને ગાંધીનગર આવ્યો હતો અને ત્યારબાદ આ યુવતીને બાઈક ઉપર બેસાડી પોતાનું ખેતર બતાવવા માટે લઈ ગયો હતો. જ્યાં બપોરના સમયે ખેતરમાં જ તેમણે જમવાનું મંગાવી લીધું હતું. ત્યારબાદ રાત્રિના સમયે આ યુવાને યુવતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધો બાંધ્યા હતા.
દરમિયાનમાં ગભરાઈ ગયેલી યુવતી બીજા દિવસે સવારે તેના ઘરે પહોંચી હતી અને તેને દુખાવો ઉપાડતા પરિવારજનોને જાણ કરી હતી અને ત્યારબાદ પરિવારજનોએ કારણ પૂછતા તેણે સઘળી હકીકત જણાવી દીધી હતી. જેથી તેણીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી અને ત્યારબાદ તેનું મેડિકલ કરાવીને તેની ફરિયાદના આધારે અડાલજ યુવાન સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે મથામણ શરૃ કરી છે.