ભગવાન ભોળાનાથની કૃપા પામવા સર્વોત્તમ માસ શ્રાવણનો આજે સર્વોત્તમ દિવસ સોમવારથી પ્રારંભ થતા સૌરાષ્ટ્રના શિવમંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. ભગવાન શિવજીના 12 પૈકીના સૌ પ્રથમ જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા રાત્રે ત્રણ વાગ્યાથી જ ભક્તોની કતારો થવા લાગી હતી અને રાત્રિના 10 વાગ્યે દર્શન બંધ થયા ત્યાં સુધીમાં આશરે 70થી 75,000 લોકોએ શ્રાવણના પ્રથમ સોમવાર અને પ્રથમ દિવસે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
સોમનાથ ટ્રસ્ટના સૂત્રો અનુસાર સાંજ સુધીમાં 50,000 દર્શનાર્થીઓ નોંધાયા હતા અને રાત્રિ સુધી ધસારો જારી રહ્યો હતો. લોકોની ભીડને ધ્યાને લઈને દર્શનનો સમય વહેલો કરીને સવારે ૪ વાગ્યે જ મંદિરના દ્વાર ખોલી દેવાય છે. ઉપરાંત ભીડ અને ધક્કામુક્કી ટાળવા માટે આ વર્ષે દર્શનાર્થીઓની એન્ટ્રી અને એક્ઝીટ બન્ને અલગ અલગ સ્થળે રાખવામાં આવ્યા છે. તેમજ મંદિરમાં વિવિધ આરતીઓ થાય છે ત્યારે અગાઉ ભાવિકો આરતી પૂરી થાય ત્યાં સુધી રહેતા પરંતુ, હવે તેની મનાઈ કરીને દર્શન કરીને દર્શનાર્થીઓ આગળ ચાલતા જવાનું રહેશે. આજે જુનાગઢ,સોમનાથ જિલ્લા સહિત સ્થળેથી હજારો શિવભક્તો પગપાળા દર્શનાર્થે આવ્યા હતા.
સોમનાથ મહાદેવને ગત મહાશિવરાત્રિના દિવસે એક જ દિવસમાં સૌથી વધારે 56 ધ્વજા નોંધાઈ હતી પરંતુ, આજે શ્રાવણના પ્રથમ સોમવારે જ તે રેકોર્ડ તુટીને 68 ધ્વજા પૂજા નોંધાઈ છે. ગંગાજળ,દૂધ સહિત વિવિધ પવિત્ર દ્રવ્યોનો અભિષેક સાથે 200થી વધુ ભૂદેવો દ્વારા હજારો પૂજાવિધિઓ કરવામાં આવી હતી. સવાલાખ બિલ્વપત્રની પૂજા સાથે મહાદેવને આજે બિલ્વ શ્રૂંગાર કરાયો હતો તેમજ મહામૃત્યુંજય મંત્ર યજ્ઞા પ્રારંભ કરાયો હતો. સોમનાથ ટ્રસ્ટના 550થી વધુ કર્મચારીઓ તેમજ આશરે 400થી વધારે પોલીસકર્મીઓ દ્વારા સોમનાથ અને આસપાસ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
દ્વારકાથી 16 કિ.મી.ના અંતરે સૌરાષ્ટ્રનું દ્વિતીય જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ આવેલ છે ,રૂદ્ર સંહિતામાં દારૂકાવન નાગેશમ્ તરીકે ઓળખાવ્યા છે . આ જ્યોતિર્લિંગમાં ભગવાન ભોળાનાથની ભવ્ય અને દિવ્ય એવી 85 ફૂટ ઉંચી પ્રતિમા આવેલી છે. સોમનાથ ઉપરાંત આ સ્થળે પણ ભારતભરમાંથી હજારો ભાવિકો આવતા હોય છે ત્યારે આજે શ્રાવણના પ્રથમ સોમવારે નાગેશ્વર ખાતે પણ ભક્તોનો ભારે ધસારો રહ્યો હતો.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના જસદણ પાસે ઘેલા સોમનાથ, વાંકાનેર પાસે જડેશ્વર મહાદેવ, જુનાગઢમાં ભવનાથ સહિત સૌરાષ્ટ્રભરના હજારો શિવમંદિરોએ આજે પ્રથમ દિવસે જ લાખો ભક્તો ભારે ઉત્સાહ અને શ્રધ્ધા સાથે ઉમટી પડયા હતા અને દર્શન માટે ઠેરઠેર લાંબી કતારો લાગી હતી.