બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સોમવારે (05 ઓગસ્ટ) કહ્યું કે ‘અમે વડાપ્રધાન પદ પરથી શેખ હસીનાનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે રાષ્ટ્રપતિએ પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને પણ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેઓ અનેક મામલામાં દોષિત ઠેરવ્યા બાદ નજરકેદ છે. શહાબુદ્દીને સંસદ ભંગ કરીને વચગાળાની સરકાર બનાવવાની પણ જાહેરાત કરી હતી. બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન પહેલા શાસન કરી રહેલી અવામી લીગ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે દેશવ્યાપી હિંસક દેખાવ પાછળ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)નો હાથ છે. અવામી લીગના મતે, આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પણ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ દર્શાવે છે કે દેખાવો પાછળ વાસ્તવમાં વિદ્યાર્થીઓ નથી, પરંતુ દેશની મુખ્ય વિપક્ષી રાજકીય પાર્ટી – બીએનપી અને પ્રતિબંધિત સંગઠન – જમાત-એ-ઇસ્લામી જવાબદાર છે. તેમનો ઉદ્દેશ્ય કોઈપણ રીતે દેશમાં સત્તા મેળવવાનો છે. વહીવટીતંત્ર પણ સતત વિદ્યાર્થી શાખાઓ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યું છે.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી આનંદ બોઝે જણાવ્યું હતું કે ‘બાંગ્લાદેશમાં અશાંતિના પગલે ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે પડોશી દેશ સાથેની ભારતીય સરહદ સુરક્ષિત છે. લોકોએ કોઈપણ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ.’ આ ઉપરાંત રાજ્યપાલે એક ‘મોનિટરિંગ કમિટી’ની પણ રચના કરી છે, જે લોકોને ખોટી માહિતીની તેમજ અફવા અંગેની જાણકારી લોકો સુધી ચોવીસ કલાક પહોંચાડતા રહેશે. બોઝે વધુમાં કહ્યું કે ‘અફવા ફેલાવનારા અને ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’